Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : સેંગપુરમાં એક ઓરડાની હોસ્પિટલ, અસુવિધાથી દર્દિઓને હાલાકી

છોટાઉદેપુર : સેંગપુરમાં એક ઓરડાની હોસ્પિટલ, અસુવિધાથી દર્દિઓને હાલાકી
X

છોટાઉદેપુર જિલ્લાના સેંગપુર ગામનું એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પંચાયતના એક કોમ્યુનિટી હોલમાં ચાલી રહ્યું છે. જ્યાં દર્દીઓ માટે પલંગ તો શું બેસવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી.

નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં આવેલું સેંગપુર ગામ કે જે ગામમાં આરોગ્ય વિભાગના ચોપડે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે. ગામમાં જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, સેંગપુરનું આરોગ્ય કેન્દ્ર એક શાળાના કંપાઉન્ડમાં આવેલ પંચાયતના કોમ્યુનિટી હોલમાં ચાલી રહ્યું છે. જયાં હોસ્પિટલ હોવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. અહી દર્દીઓનીલાંબી લાંબી કતારો જોવા મળી. એક જ રૂમના કહેવાતાં આ હોસ્પિટલમાં કોઈ પલંગ કે દર્દી માટે બેસવાની સુવિધાનો અભાવ જોવા મળ્યો. ફક્ત સામાન્ય દર્દનો ઈલાજ ડોક્ટર કરી રહયા છે.

ચોમાસાનો સમય ચાલતો હોવાથી સેંગપુર અને તેની આસપાસના 20થી 22 જેટલા ગામના લોકો આજે બીમારીના ભરડામા છે. અઠવાડિયામાં અહીં ડોક્ટર માત્ર 2 દીવસ આવે છે અને દર્દીઓ માટે 2 કલાકનો સમય ફાળવે છે. ડોક્ટર હોસ્પિટલ પર આવ્યાની જાણ થતા જ લોકોની ભીડ જામવા લાગે છે.

આમ તો, 1000ની વસ્તી ધરાવતા સેંગપુર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. સરપંચે ગામમાં હોસ્પિટલ બને તે માટે આરોગ્ય વિભાગને જમીન પણ ફાળવી છે. જમીન ગૌચર હોય આરોગ્ય વિભાગ સ્વીકારવા તૈયાર નથી જેનો ભોગ ગામ વિસ્તારના લોકો અને ખુદ અહીંના ડોક્ટર બની રહ્યા છે.

હાલ માં ગામ પંચાયત હૉલમાં બેસીને ડોક્ટર પોતાની ફરજ બજાવે છે, પણ તે પૂરતું નથી. અહી હોસ્પિટલ માટેનું મકાન ન હોય દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. દર્દીઓ માટે બેડની સુવિધા તો નથી સાથે સાથે આરોગ્ય લક્ષી કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગંભીર પ્રકારના દર્દીઓને રિફર કરવામાં આવે છે. જેથી લોકો ઇચ્છી રહ્યા છે કે તેમને જલ્દીથી જલ્દી હોસ્પિટલ મળે.

Next Story