Connect Gujarat
ગુજરાત

ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાની સાથે આહવા ખાતે યોજાશે ત્રીજો ઇકો મેળો

ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાની સાથે આહવા ખાતે યોજાશે ત્રીજો ઇકો મેળો
X

ઉદ્‍ધાટન કાર્યક્રમ સહિત સતત ચાર દિવસો સુધી મેળાવાસીઓને માણવા મળશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો

આહવાને આંગણે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોને સથવારે ડાંગના ભાતિગળ લોકમેળાનું રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે તા.૧૬મી માર્ચ, ૨૦૧૯નાં દિવસે ભવ્ય ઉદ્‍ધાટન કરાશે, તે પૂર્વે ડાંગના માજી રાજવીઓની પૂર્ણ આન, બાન, અને શાન સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયુ છે. તેમ ડાંગ કલેક્ટર એન.કે.ડામોરે ઉદ્‍ધાટન કાર્યક્રમ સહિત સતત ચાર દિવસો સુધી યોજાનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ધડી કાઢવા માટે આયોજિત બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું.

તા.૧૬ થી ૧૯ માર્ચ, ૨૦૧૯નાં દિવસો દરમિયાન આહવાના રંગ ઉપવન ખાતે આયોજિત કરાયેલા પરંપરાગત ભાતિગળ લોકમેળાના કાર્યક્રમો માટે રચાયેલી વિવિધ સમિતિઓને સોંપવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર ડામોરે આ લોકમેળામાં આવનારી હજારોની જનમેદની માટેની પાયાકિય સુવિધાઓ બાબતે સૂક્ષ્માતિસૂક્ષ્મ ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.

ડાંગ દરબારના ભાતિગળ લોકમેળામાં આવતા નાના/મોટા વેપારીઓ, ધંધાર્થીઓ સહિત જુદી જુદી મનોરંજક રાઇડ્સ માટેના પ્લોટની ફાળવણી ઉપરાંત, મહાનુભાવો સાથે પ્રજાજનોની સલામતી અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ સૂપેરે જળવાઇ રહે તે માટેનો એકશન પ્લાન ધડી કાઢવાની સૂચના પણ કલેક્ટર એન.કે.ડામોરે આ વેળા આપી હતી.

મેળો મ્હાલવા આવતા પ્રજાજનોના વાહનો સાથે જાહેર પરિવહનના વાહનો માટે પાર્કિંગની અલાયદી વ્યવસ્થા સાથે જરૂરી ડાયવર્ઝનની વ્યવસ્થા સંબંધિત ચર્ચા કરવા સાથે કલેક્ટરશ્રીએ મેળાવાસીઓને સતત ચાર દિવાસો સુધી મનોરંજન પુરૂ પાડવા માટે પધારનારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો/ટુકડીઓના કલાકારો માટેની નિવાસ વ્યવસ્થા સાથે આનુષાંગિક વ્યવસ્થાઓનું પણ સૂચારુ આયોજન ગોઠવવા બાબતે માર્ગદર્શન પુરુ પાડયુ હતું. દરમિયાન આહવા નગરની સ્વચ્છતા સહિત જરૂરી શૌચાલય, પીવાના પાણી જેવી બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટર શ્રી એન.કે.ડામોરે મેળામાં ઉમટતી ગ્રામીણ પ્રજાને માટે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને મતદાર જાગૃતિ અભિયાનની કામગીરી સાથે ઇ.વી.એમ. નિદર્શનની કામગીરી હાથ ધરવા પણ અનુરોધ કર્યો હતો.

ડાંગના માજી રાજવીઓને બા અદબ પોલિટિકલ પેન્શન એનાયત કરવાની ઐતિહાસિક કામગીરી સાથે, રાજવીઓ તેમના ભાઉબંધો અને પરિવારજનોના લાયઝનિંગ સહિત મહાનુભાવો માટેની વ્યવસ્થાઓ સહિતની કામગીરી માટે પણ કલેક્ટર ડામોરે સંબંધિતોને જરૂરી સૂચના આપી હતી.

ડાંગના આંગણે યોજાનારા આ ઐતિહાસિક પર્વની મહત્તા સમજી તેની પરિમાપૂર્ણ ઉજવણી થાય તેવા સહિયારા પ્રયાસોની હિમાયત કરતા કલેક્ટર શ્રી ડામોરે સંબંધિત અધિકારીઓ તથા ફરજનિયુક્ત કર્મચારીઓને ખૂબ જ ચોક્સાઇ અને સંવેદનશીલતા સાથે તેમને સોંપવામાં આવેલી કામગીરી હાથ ધરવાની પણ સૂચના આપી હતી.

Next Story