Connect Gujarat
દુનિયા

થાઈલેન્ડઃ ગુફામાં ફસાયેલા બાળકોમાંથી ૪ ને બહાર લવાયા, ખુશીનો માહોલ

થાઈલેન્ડઃ ગુફામાં ફસાયેલા બાળકોમાંથી ૪ ને બહાર લવાયા, ખુશીનો માહોલ
X

એક એક બાળકને બહાર લવાઈ રહ્યા છે, તમામને બહાર આવતા હજી ૩-૪ દિવસ લાગશે

થાઈલેન્ડના ઉત્તરીય થામ લુઆંગ ગુફામાં બે સપ્તાહ કરતાં વધુ સમયથી ફસાયેલા ફૂટબોલ ટીમના ૧૨ કિશોરો અને તેમના કોચને બહાર લાવવાનું કામ રવિવારે શરૂ કરી દેવાયું છે. તેમાંથી ચાર બાળકોને અત્યાર સુધીમાં બહાર લાવી દેવાયા છે. ૧૩ વિદેશી ડાઈવર્સ અને થાઈલેન્ડ નેવી સીલના પાંચ ડાઈવર્સ આ બાળકોને બહાર લાવવા માટેની કવાયત આરંભી હતી. ડાઈવર્સને ગુફાનું એક ચક્કર પૂરૂં કરવામાં લગભગ ૧૧ કલાકનો સમય લાગશે. બે ડાઇવર એક બાળકને પોતાની સાથે લાવશે.

રેસ્ક્યૂ મિશનના પ્રમુખ નારોનગસાન ઓસોતાનકોને મીડિયાને જણાવ્યું હતું, આજે નહીં તો ક્યારેય નહીંની સ્થિતિ નિર્માણ પામી છે. સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦ વાગ્યે ૧૩ વિદેશી ડાઈવર અને પાંચ થાઈલેન્ડ નેવી સીલ કમાન્ડર ગુફાની અંદર ગયા છે.’ તેમણે કહ્યું હતું કે ૧૫ દિવસ ગુફામાં વિતાવનાર આ બાળકોમાંથી ચાર બાળકો રવિવારે બહાર લાવી શકાયા છે અને તેઓ સુરક્ષિત છે. મિશનમાં સામેલ એક આર્મી કમાન્ડરે કહ્યું હતું કે તમામ બાળકોને બહાર કાઢવામાં ૨ થી ૪ દિવસનો સમય લાગી શકે છે. મિશનના ચીફને જણાવ્યું હતુંકે રેસ્ક્યૂ ટીમે પોતાના પ્લાનનું અનેકવાર રિહર્સલ કર્યુ હતું. તેમણે કહ્યું હતું, ‘જો અમે રાહ જોઈશું તો આવનારા દિવસોમાં જો ફરી વરસાદ થવાથી આટલા દિવસથી પાણી કાઢવાની અમારી મહેનત નકામી જશે. જો એવું થશે તો અમારે ફરી સમગ્ર સ્થિતિ વિશે વિચારવું પડશે.’

મિશનના ચીફ નારોનગસાન ઓસોતાનકોને શનિવારે કહ્યું હતું કે આગામી ૩-૪ દિવસની સ્થિતિ બચાવ કાર્ય માટે એકદમ સચોટ છે. તેમણે કહ્યું હતું કે વિસ્તારમાં પાણીનું સ્તર વધી શકે છે, જ્યાં ગુફામાં બાળકો બેઠા છે અને દેશમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે.

Next Story