Connect Gujarat
ગુજરાત

નસવાડીના કલેડિયા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદીનાં કૌભાંડમાં ફરાર CCIનો અધિકારી ઝડપાયો

નસવાડીના કલેડિયા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદીનાં કૌભાંડમાં ફરાર CCIનો અધિકારી ઝડપાયો
X

ખેડૂતોનો કપાસ બારોબાર વેચી આર.કે. શર્માએ દોઢ કરોડનું કૌભાંડ આચર્યું

કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં દોઢ કરોડનું કૌભાંડ આચરનાર સીસીઆઇના અધિકારી આર.કે. શર્માની ધરપકડ કરાઇ છે. જોકે, તેમાં સંડોવાયેલા અક્ષર ફાઇબર્સ ઇન્ડસ્ટ્રિઝનો માલિક હજી પોલીસની પકડથી દુર રહેવા પામ્યો છે. નસવાડી તાલુકાના ચામેઠા ગામે અક્ષર ફાઇબર્સ ઇન્ડસ્ટ્રિઝના માલિક સાથે મળીને સીસીઆઇ અધિકારીએ કપાસ ખરીદીમાં મોટું કૌભાંડ કર્યુ હતું.

કલેડિયા માર્કેટયાર્ડમાં ખેડૂતો પાસેથી ખરીદેલો કપાસ પીલાણ માટે અક્ષર ફાઇબર્સમાં મોકલી ત્યાં રૂ અને કપાસિયા છુટા પાડી રૂની ગાંસડીઓ બનાવવામાં આવતી હતી. આ ગાંસડીઓ સરકારી ગોદામમાં મુકવામાં આવી હતી. અધિકારીઓની તપાસ દરમિયાન કપાસની ૬૧૨ ગાંસડી અને ૧૬૦૦ ક્વીંટલ કપાસની ઘટ નજરે પડતા કપાસ ખરીદીમાં મોટુ કૌભાંડ થયુ હોવાનું બહાર આવ્યુ હતું.

આ સંદર્ભમાં રૂપિયા ૧.૫ કરોડની હયગયની ફરિયાદ સીસીઆઇ અધિકારી અને અક્ષર ફાઇબર્સના માલિક વિરૂધ્ધ કરાતા બંને ફરાર થઇ ગયા હતા. તેમને શોધવા નસવાડી પોલીસે દિવસ અને રાત એક કરી દીધા હતા. સીસીઆઇ અધિકારી આરકે શર્મા નસવાડીના એક મકાનમાં પાછો ફર્યો હોવાની બાતમી મળતા તેને નસવાડી પોલીસ ઝડપી લાવી હતી અને પોલીસ મથકે લાવી તેની પુછપરછ હાથ ધરાઇ છે. હજી અક્ષર ફાઇબર્સનો માલિક ફરાર છે.

ઉલ્લેખનીય છે કે અક્ષર ફાઈબર્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને સીસીઆઈનાં ઈન્ચાર્જ અધિકારી રમેશકુમાર કંવરલાલ શર્માએ સરકારના પૈસાથી ખરીદેલો કપાસ બારોબાર વેચી રૃા.૧.૫૨ કરોડનું કૌભાંડ કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના કલેડીયા કેન્દ્ર પરથી ખરીદવામાં આવેલા કપાસની ૬૧૨ ગાંસડીઓ અને ૧૬૦૦ કિવન્ટલ કપાસીયાની ઘટ ગોડાઉનમાં ચેક કરવા આવેલા અધિકારીઓએ ઝડપી પાડતાં કૌભાંડ પરથી પડદો ઊંચકાયો હતો.

Next Story