Connect Gujarat
બ્લોગ

બારણું

બારણું
X

અમારી પડોશમાં નયનતારા જીવણલાલ મહેતા રહેતા હતા. અમે બધા તારા કાકીના નામે એમને બોલાવતા. એક, બે, ત્રણ દિવસ તારા કાકી દેખાયા નહી, એટલે જીવણકાકાને રાતે દુકાને થી ઘરે આવતા જોઈ મેં પૂછ્યું તો જાણવા મળ્યુ કે જીવણકાકાના મોટાભાઈની પત્નીને પક્ષધાતનો હુમલો થયો, એ સમાચાર મળતા જ તારા કાકી એમની સેવામાં ગયા છે.

આ વાતને એક અઠવાડિયુ થયુ.તારા કાકી આવ્યા નહી.રાતે જીવણકાકા ઘરની બાલ્કનીમાં બેઠા બેઠા હિસાબ લખતા હતા.મેં મારા ઘરના છજામાંથી એમને પૂછ્યુ, “ તારાકાકીના કોઈ સમાચાર?તમારા ભાભીને હવે કેવુ છે?” જીવણકાકા કહે, “હજુ પૂરો મહિનો લાગશે. આજકાલમાં રજા મળશે પછી ફિઝીયોથેરાપીસ્ટ કસરત કરાવવા ઘરે આવશે, ડાબુ અંગ આખુ બહેર મારી ગયુ છે.”

એક મહિનો વીતી ગયો,તારા કાકી આવ્યા નહી.જીવણકાકા વચ્ચે વચ્ચે રવિવારે જઈને ભાભીની ખબર કાઢી આવતા,ત્યારે એમના ઘરની ચાવી અમારા ઘરે મૂકી જતા.

એક સવારે દુકાનજતા જતા જીવણકાકાએ અમારા ઘરનો ડોરબેલ વગાડ્યો,બારણું ખોલતા જ જીવનકાકા કહે , “ખુશખબર આપવા આવ્યો છું.તારા આજે બપોરે આવી જશે.,મારા ભાભી અને ભાઈ પણ સાથે આવશે. હવે તેઓ મારા ઘરેજ રહેશે. મોટાભાઈએ સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે. હું દુકાને જઈને આવુ છું. કદાચને તેઓ આવી જાય તો આ ઘરની ચાવી આપતો જાંઉ છું.

બપોરના ૩:00 ના ટકોરે વાઉ વાઉ કરતી એમ્બ્યુલન્સ આવી. સોસાયટીની બધી બહેનો એકઠી થઈ ગઈ,ભાભીને એમ્બ્યુલન્સમાંથી ઉતારી ઘરમાં લઈ જવામાં બધાએ મદદ કરી, મેં તારા કાકી ને કહ્યું, “રાતના જમવાની ફિકર કરશો નહીં ,તમારા ત્રણ જણનું ટિફીન હું બનાવી આપી જઈશ. ભાભીને પરેજી હોય તો મને કહી દેજો, એમના માટે એ પણ જમવાનું બનાવીશ.”

બીજા દિવસે સવારે તારાકાકી ઘરમાંથી રડવાનો અવાજ આવતો હતો. હું દોડી,જોયુ તો તારાકાકીનાં ભાભીનો દેહાંત થયો હતો.એમના શબ્દોમાં કહું તો શ્રીજીચરણ પામ્યા હતા. જીવણકાકા મોટાભાઈની બાજુમાં બેસીને મોટાભાઈના વાંસે હાથ ફેરવતા ફેરવતા આશ્વાસન આપતા હતા. જીવણકાકા કહે, “વિનુને ફોન કરી દીધો છે. વડોદરાથી એ ફેમિલી લઈને નીકળી ગયો છે. એ આવે એટલે સ્મશાન યાત્રા નીકળશે. સોસાયટીના અડોશપડોશના બધા ભેગા થઈ ગયા અને નનામી લાવવાની શબવાહિનીને ફોન કરી કહેવાનું એસ.એમ.એસ, વ્હોટસએપ પર જેને જે ફાવ્યુ એ પ્રમાણે “ભાભી નો મોર,સ્મશાન યાત્રા એટ ફાય.પી.એમ. ફ્રોમ હોમ પછી એડ્રેસના મેસેજ ફરતા થઈ ગયા. રાતે આઠ વાગ્યા સ્મશાનેથી જીવણકાકા, મોટાભાઈ, વિનુ અને એમના નજીકના સગા સંબંધીઓ પરત આવ્યા.બીજે દિવસે બપોર પછી તારાકાકીનું ઘર ખાલીખમ,ગોર મહારાજે અગિયારમુ,બારમુ અને તેરમુ એકજ દિવસે આટોપી લીધું ભાભીને ગયાના પંદરમાં દિવસથી જીવણકાકાએ દુકાને જવાનું શરૂ કર્યુ.

એક બપોરે તારાકાકી ઘરનો ડોરબેલ વગાડ્યો.મેં એમના ચહેરા પર દુ:ખની લકીર કરતાં આનંદ છલકાયો જોયો.એ મને સ્નેહા કરીને બોલાવતાં.મેં કહ્યું, “આવો આવો તારાકાકી” તારાકાકીની લોન્ગ પ્લે રેકોર્ડ શરૂ થઈ.આ મોટાભાઈ છે ને ! એમની સાથે એમના ઘરમાં ભાભીની સેવા કરવા માટે હું પૂરા ઓગણચાલીસ દિવસ રહી.મેં કહ્યુ, “તારાકાકી તમે તો નસીબદાર કહેવાય, જેઠાણીની સેવા કરવાની તમને શ્રીજીબાવાએ તમને તક આપી, વળી પાછા, આ ધરતી એમ પોકારતી હશે. કે તમે એમને તમારે ઘરે લઈ આવ્યા.તારાકાકી કહે તુ મારી વાત તો સાંભળ! ભાભીનું આખુ ડાબુ અંગ શિથિલ થઈ ગયુ હતું મોટાભાઈની સરકારી નોકરી, એ સવારે વહેલા નીકળી જાય,મોડી રાતે ઘરે આવે.સરકારી કામોમાં ગામડે રખડવાનું,ગાંધીનગર જવાનું,પ્રધાનો અને સરકારી અધિકારીઓની મિટીંગમાં હાજરી આપવાની.

એક દિવસ ગજબ થયો.મોટાભાઈતો બપોરે જ ઘરે આવી ગયા મેં પૂછયું, “ ભાઈ જમીને આવ્યા કે બાકી છે?” એ કહે. “ બધુ પતાવીને આવ્યો છું તારી ભાભીને કેમ છે?” મેં કહ્યું ફિજીયોથેરાપીસ્ટ આવી ગયો,કસરત કરાવી પછી ઘસઘસાટ ઉંઘે છે ભાઈ કહે . “ હું જરા ફ્રેશ થઈ જાંઉ,પછી તું મારા રૂમમાં આવ.તો હું તારાકાકી સામે જ જોયા કરૂં. એ કાંઈ બોલે જ નહીં.પૂરી સો સેકન્ડ પછી મને કહે છે, “કેટલા વર્ષે હાશ થઈ!. આ તમારા જીવણકાકાના ક્યારના રામ રમી ગયા છે. એમને તો સવારથી સાંજ દુકાન,રાત્રે ઉઘરાણીનો હિસાબ,આખા દિવસમાં ક્યારે પણ તારા દેખાય જ નહિં.મોટાભાઈ પાવરફૂલ, સરકારી માણસ, અમલદાર એટલે બેલ દબાવી કામ કેવી રીતે લેવું એ બરાબર એમને આવડે. એમણે તો મારા સાતે કોઠે દીવા પ્રગટાવ્યા. તે જ દિવસે મેં મનોમન નક્કી કરી લીધું કે, ભાભીને મારા ઘરે જ લઈ જવા. હવે જીવણલાલ બપોરે દુકાને અને હું અને મોટાભાઈ ઘરમાં એકલા.પણ રોજ કાંઈ સાતે કોઠે દીવા થોડે થાય, એટલે મોટાભાઈએ ઉપાય બતાવ્યો. દર બુધવારે પાક્કુ એટલે હું ખાસ તને કહેવા આવી છું કે, “બુધવારે બપોરે તારાકાકીનું ઘરનું બારણુ ખખડાવતી નહિં”.

Next Story