Connect Gujarat
ગુજરાત

બિન નિવાસી ગુજરાતીઓ આનંદો : ગુજરાત દર્શન યોજના હેઠળ વરિષ્ઠોને 10 હજાર રૂપિયાની સરકારી સહાય મળશે

બિન નિવાસી ગુજરાતીઓ આનંદો : ગુજરાત દર્શન યોજના હેઠળ વરિષ્ઠોને 10 હજાર રૂપિયાની સરકારી સહાય મળશે
X

રાજય સરકારે વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત દર્શન યોજન હેઠળ રાજ્યની મુલાકાતે આવતા પ્રતિ વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતી માટે રૂા.૧૦ હજાર સુધીનો ખર્ચ રાજ્ય સરકાર આપશે. એક ગૃપમાં ૨૫ એમ પ્રતિ વર્ષ મહત્તમ ૧૫૦ વરિષ્ઠ નાગરિકોને આ લાભ અપાશે. રોકાણનો સમયગાળો ૬ રાત્રિ અને ૭ દિવસ રહેશે .૬૦ થી ૭૦ વર્ષથી વય ધરાવતા વડીલો આ યોજનામાં જોડાઇ શકશે.

દેશના અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓનો રાજ્યની સંસ્કૃતિ, મૂલ્યો, અસ્મિતા, પરંપરા, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો તેમજ પોતાના મૂળ સાથે તેમનો નાતો જોડાઇ રહે તેવા હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરણાથી ‘‘ગુજરાત દર્શન યોજના’’ અમલી બનાવી છે. આ કાર્યક્રમ માટે પ્રતિ વર્ષ મહત્તમ સંખ્યા ૧૫૦ની નક્કી કરવામાં આવી છે, જેમાં લીડર સહિત મહત્તમ ૨૫-૨૫ના ૬ ગૃપ રહેશે. આ માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષના અંદાજપત્રમાં રૂા. ૧૫ લાખની જોગવાઇ કરી છે તેમ બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૯-૨૦થી બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા અન્ય રાજ્યોમાં વસતા ૬૦ થી ૭૦ વર્ષની આયુ ધરાવતા વરિષ્ઠ નાગરિકો ગુજરાતની મુલાકાતે આવી શકે તે માટે ‘ગુજરાત દર્શન યોજના’ અમલી બનાવી છે. આ યોજના હેઠળ નિયત આયુ ધરાવતા બિન-નિવાસી ગુજરાતીઓ ગુજરાતમાં ૬ દિવસ અને ૭ રાત્રિ રોકાણ કરી શકશે. આ દિવસો દરમ્યાન તેમનો રહેવા - જમવાનો વિવિધ સ્થળોની મુલાકાત સહિતનો પ્રતિ વ્યક્તિ રૂા. ૧૦ હજાર સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ ઉપરાંતનો ખર્ચ જે તે વ્યક્તિએ આપવાનો રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.આ યોજના અંતર્ગત અન્ય રાજ્યોમાંથી ગુજરાતની મુલાકાતે આવતા વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતીઓની તમામ સુવિધા રાજ્ય સરકાર પૂરી પાડશે.

અન્ય રાજ્યમાંથી અમદાવાદ સુધી આવવા અને જવા માટેનો ખર્ચ જે-તે વ્યક્તિ અથવા ગૃપે આપવાનો રહેશે. છેલ્લા પાંચ વર્ષથી રાજ્યની મુલાકાતે આવેલ ન હોય તેવા વરિષ્ઠ નાગરિકોને અગ્રતા આપવામાં આવશે તેવી માહીતી પણ તેમણે આપી હતી. યોજના અંતર્ગત ગુજરાતમાં સોમનાથ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, બેટ દ્વારકા, સારંગપુર, અંબાજી, સૂર્ય મંદિર - મોઢેરા, અડાલજની વાવ - ગાંધીનગર, લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા, સાબરમતી આશ્રમ- અમદાવાદ, ઇન્ડો પાર્ક બોર્ડર - સૂઇગામ (નડાબેટ) તેમજ વિશ્વ પ્રસિધ્ધ ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ જેવા વિવિધ સ્થળોની મુલાકાત લઇને આ વિરષ્ઠ બિન-નિવાસી ગુજરાતીઓનો ગુજરાત સાથેનો નાતો વધુ સુદ્રઢ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Next Story