Connect Gujarat
દેશ

ભારત સંરક્ષણ બજેટની બાબતમાં બ્રિટનને પાછળ ધકેલી પાંચમાં ક્રમે

ભારત સંરક્ષણ બજેટની બાબતમાં બ્રિટનને પાછળ ધકેલી પાંચમાં ક્રમે
X

સંરક્ષણ ક્ષેત્ર માટે સૌથી વધુ બજેટ ફાળવનાર વિશ્વનાં પાંચ દેશોમાં ભારત પણ સામેલ થઇ ગયુ છે. સંરક્ષણ પાછળ ફાળવવામાં આવેલ રકમનાં સંદર્ભમાં ભારતે બ્રિટનને પણ પાછળ ધકેલી દીધું છે તેમ લંડનની એક ગ્લોબલ થિંક ટેન્કે જણાવ્યું છે.

થિંક ટેન્કનાં જણાવ્યા અનુસાર 2017માં ભારતે સંરક્ષણ ક્ષેત્ર પાછળ 52.5 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. 2016માં આ રકમ 51.1 અબજ ડોલર હતી, તેમ ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટ્ડીઝ(આઇઆઇએસએસ) દ્વારા તૈયાર કરવામાં આવેલા 'મિલિટરી બેલેન્સ 2018' નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

બીજી તરફ બ્રિટનના સંરક્ષણ બજેટમાં 2016ની સરખામણીમાં 2017માં ઘટાડો જોવા મળ્યો છે. 2016માં બ્રિટનનું સંરક્ષણ બજેટ 52.5 અબજ ડોલર હતુ. જે 2017માં ઘટીને 50.7 અબજ ડોલર થયું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત પોતાની સૈન્ય ક્ષમતાઓને આધુનિક બનાવી રહ્યું છે. ચીન સંરક્ષણ ક્ષેત્રમાં ખર્ચ કરવાની બાબતમાં અમેરિકા પછી બીજા ક્રમે છે. ચીનનું સંરક્ષણ બજેટ 150.5 અબજ ડોલર હતુ. જે ભારત કરતા ત્રણ ગણું વધારે છે.

2016-17માં ચીનનાં સંરક્ષણ બજેટમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ભારતના સંરક્ષણ બજેટમાં માત્ર 2.4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ ચીન પાસે ભારત કરતા 6 લાખ વધુ જવાનો છે. ભારતના 785 એરક્રાફ્ટની સરખામણીમાં ચીન પાસે 1200 એરક્રાફટ છે. 602.8 અબજ ડોલરના સંરક્ષણ બજેટ સાથે અમેરિકા પ્રથમ ક્રમે છે. 76.7 અબજ ડોલર સાથે સાઉદી અરેબિયા ત્રીજા તથા 61.2 અબજ ડોલરના સંરક્ષણ બજેટ સાથે રશિયા ચોથા ક્રમે છે.

Next Story