Connect Gujarat
દુનિયા

યુરોપીયન યુનિયન દ્રારા ગૂગલને ઐતિહાસિક દંડ ફટકાર્યો

યુરોપીયન યુનિયન દ્રારા ગૂગલને ઐતિહાસિક દંડ ફટકાર્યો
X

એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો દુરુપયોગ કર્યો હોવાના મામલે

યુરોપીયન યુનિયને અમેરિકાની જાયન્ટ કંપની ગૂગલને પાંચ અબજ ડોલર(અંદાજે ૩૪૫ અબજ રૂપિયા)નો ઐતિહાસિક દંડ ફટકાર્યો છે. ગૂગલે તેની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો દુરુપયોગ કર્યો હોવાના મામલે યુરોપીયન યુનિયને એન્ટી-ટ્રસ્ટ અર્થાત વિશ્વાસ ભંગ માટે આ દંડ ફટકાર્યો છે.

યુરોપીયન યુનિયન(EU)ના કમ્પિટિશન કમિશનર માર્ગ્રેથ વેસ્ટાગરે કહ્યું હતું કે ગૂગલે એન્ડ્રોઈડનો ગેરકાયદેસર ઉપયોગ કરીને મોનોપોલી જેવી સ્થિતિ સર્જી હતી અને પોતાના જ સર્ચ એન્જિન અને બ્રાઉઝરનો ઉપયોગ લોકો કરે તેવો માહોલ સર્જી દીધો હતો. ત્રણ વર્ષની તપાસને અંતે આવેલા આ આદેશથી ટ્રેડ વોર વધુ ઉગ્ર સ્વરૂપ લે તેવી ભીતિ ઊભી થઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને યુરોપીયન યુનિયને પાઠ ભણાવવા માટે આ દંડ ફટકાર્યો હોવાનું પણ મનાય છે. ડેન્માર્કના ભૂતપૂર્વ મંત્રી એવા વેસ્ટાગરે મંગળવારે રાત્રે ગૂગલના ભારતીય મૂળના વડા સુંદર પિચઈ સાથે ફોન પર વાત કરી હતી અને આ નિર્ણય અંગે જાણ કરી હતી.

વેસ્ટાગરે બ્રસેલ્સમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને બુધવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આજે કમિશને ગૂગલને EUના એન્ટિ-ટ્રસ્ટ નિયમોના ભંગ માટે ૪.૩૪ અબજ યુરો(પાંચ અબજ ડોલર એટલે અંદાજે ૩૪૫ અબજ રૂપિયા)નો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. ગૂગલે યુરોપના ઈન્ટરનેટ સર્ચમાં બજારમાં તેનું વર્ચસ્વ જમાવવા માટે ગેરકાયદેસર યુક્તિઓ અપનાવી હતી.’ તેમણે કહ્યું કે ‘ગૂગલે ૯૦ દિવસમાં આ પ્રવૃત્તિ બંધ કરી દેવી પડશે અથવા તેના દૈનિક સરેરાશ ટર્નઓવરના પાંચ ટકા રકમની પેનલ્ટી ચૂકવવી પડશે.’

અગાઉ યુરોપીયન યુનિયને ૨૦૧૭માં પણ ગૂગલને ૨.૪ અબજ યુરોનો દંડ ફટકાર્યો હતો જેના કરતાં આ દંડ બમણો છે. તે સમયે શોપિંગ કમ્પેરિઝન સર્વિસના કેસમાં દંડ ફટકારાયો હતો.

Next Story