Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ ગ્રીન લીફ્ટ હોટલમાં ચોરી કરનાર ત્રણ નોકરો સુરતથી ઝડપાયા

રાજકોટઃ ગ્રીન લીફ્ટ હોટલમાં ચોરી કરનાર ત્રણ નોકરો સુરતથી ઝડપાયા
X

રાજકોટનાં પરાપીપળા વિસ્તારમાં આવેલી હોટલ ગ્રીન લીફ્ટ એન્ડ વોટરપાર્કમાંથી નેપાળી ગેંગ દ્વારા રોકડ રૂપિયા 42.82 લાખ અને 4 મોબાઈલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બાદમાં આ ચોર ટોળકી સુરતમાં રોકાઈ હતી. જ્યાંથી પોલીસે ઝડપી પાડી રોકડ રકમની રિકવરી કરી હતી. પરાપીપળા વિસ્તારની ગ્રીનલીફ હોટેલમાંથી રોકડા રૂ. 45 લાખની ચોરીની ફરિયાદ નોંધાતા જ શહેર પોલીસ હરકતમાં આવી હતી. ફરિયાદમાં હોટેલના વેઇટર નેપાળના વતની બાજી ઉર્ફે વિરાજ લક્ષ્મણ લુહાર અને તેની સાથેના બે અજાણ્યા શખ્સના નામ આપવામાં આવ્યા હતા. નેપાળી શખ્સો ચોરી કરી નેપાળ ભાગી શકે તેવી સંભાવનાઓને ધ્યાને રાખી શહેર પોલીસની ચાર જેટલી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. મંગળવારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કાનમિયા અને જયસુખભાઇ હુંબલ સહિતના સ્ટાફે સુરતનાં વરાછા વિસ્તારમાંથી સૂત્રધાર બાજી ઉર્ફે વિરાજ અને તેના બે સાગરીત નેપાળના દિનેશ આનંદ બિસ્તી તથા સંતોષ કરણ ભટ્ટારયને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરીના રોકડા રૂ.42,82,500 તથા ચાર મોબાઇલ સહિત કુલ રૂ.43,23,500નો મુદ્દામાલ જપ્ત કર્યોહતો. લાખોની મતાની ચોરીમાં મહત્તમ રોકડ સાથે તસ્કર ત્રિપુટી ઝડપાયા અંગેની પત્રકાર પરિષદમાં ડીસીપી ડો.કરણરાજ વાઘેલા, એડિશનલ એસીપી હર્ષદ મહેતા, ક્રાઇમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયા અને પીઆઇ હિતેષ ગઢવીએ જણાવ્યું હતું કે, નેપાળના ચલણની સરખામણીમાં ભારતના ચલણનું મૂલ્ય ઊંચું હોવાથી તસ્કર ત્રિપુટીએ મોટોહાથ મારી તેટલી રકમથી નેપાળ‌માં કરોડપતિની જિંદગી જીવવાનું સ્વપ્ન સેવ્યું હતું અને તે ઇરાદો પાર પાડવા હોટેલમાં ચોરી કરી હતી. અન્ય કોઇ ગુનામાં ત્રિપુટી સંડોવાયેલી છે કે કેમ સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.

Next Story