Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ખાનગી બસ ઉપર પડ્યો વીજપોલ, રજૂઆતો સામે વીજ તંત્રના ઉડાઉ જવાબ

રાજકોટ : ખાનગી બસ ઉપર પડ્યો વીજપોલ, રજૂઆતો સામે વીજ તંત્રના ઉડાઉ જવાબ
X

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાથી ૨૨ કી.મી.ના અંતરે આવેલ અરણી ગામે સુરતથી વાયા જામકંડોરણા થઈ ભાયાવદર આવી રહેલી ધરતી ટ્રાવેલ્સ નામની ખાનગી બસ ઉપર વીજપોલ પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભાયાવદર મેઇન રોડ ઉપર રહેણાંક વિસ્તાર હોવાને કારણે ઈલેક્ટ્રીક વાયરના અનેક તાર આવેલ છે. પરંતુ વીજ તાર એકદમ નીચે લચી પડ્યા છે. જેમાં એક વીજ તારમાં ખાનગી બસની ઉપર લાગેલ કેરિયલનો ભાગ ફસાઈ જતાં સિમેન્ટનો ઈલેક્ટ્રીક વીજપોલ ધડાકાભેર તૂટીને બસ ઉપર જ પડ્યો હતો. નીચે પડેલા જીવંત વાયરો કોઈ જાનહાની કરે તે પહેલાં લોકો દ્વારા તંત્રને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. વીજ વાયર ખેંચાતા પાવર સપ્લાય તૂટી જવાથી તેમજ બસમાં કોઈ મુસાફર ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ બાબતે જીઇબી તંત્રને બે વખત મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ બેજવાબદાર વીજ તંત્ર દ્વારા જણાવ્યું હતું કે, કોઈ સમસ્યા થાય એમ નથી, છતાં જોઈશું એમ કહીને ઉડાઉ જવાબ આપવામાં આવેલ. આજદિન સુધી જીઇબી તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. તેમની આ નિષ્ક્રીયતાને કારણે મોટી દુર્ઘટના ઘટી હતી. તેમજ હજુ પણ ઘણા અન્ય વીજ તાર નીચા નમેલા હોવાથી વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી કોઈ દુર્ઘટના કે જાનહાનિ થતા અટકે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Next Story