Connect Gujarat
ગુજરાત

રાજપીપળામાં બિસ્માર રસ્તાઓથી કંટાળી મહિલાઓ આખરે બની રણચંડી

રાજપીપળામાં બિસ્માર રસ્તાઓથી કંટાળી મહિલાઓ આખરે બની રણચંડી
X

રાજપીપળામાં પારાવાર ગંદકી અને રસ્તા પર ઠેર ઠેર પડેલા ખાડાઓથી શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. રાજપીપળાના મોટે ભાગના રસ્તાઓ પર મોટા મોટા ભુવાઓની ફરિયાદ લઈને લોકો જેતે વિસ્તારના કોર્પોરેટરો પાસે જાય છે. ત્યારે મુખ્ય અધિકારી મંજૂરી નથી આપતા એમ જણાવી તેઓ પણ છૂટી જાય છે.શહેરમાં અમુક રસ્તા તો અકસ્માત ઝોનના નામથી ઓળખવા લાગ્યા છે.

રાજપીપળાના છત્રવિલાસ વિસ્તારમાં કોલેજ અને શાળાઓ આવેલી છે,એ રસ્તા પર મોટા મોટા ભુવા પડી જતા વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બનતા હોવાના આક્ષેપ સાથે ત્યાંની મહિલાઓ રણચંડી બની હતી અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું.બન્ને છેડેથી આવતા વાહનો થંભાવી દેતા ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.સ્થાનિક રહીશો અને મહિલાઓએ આક્ષેપ લગાવ્યો હતો કે આ રોડ જ્યારે બન્યો એના થોડા જ સમયમાં ખાડા પડી ગયા છે,એ બાદ સમારકામ પણ કરાયુ હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="115366,115367,115368,115369,115370"]

આ દરમિયાન રાજપીપળા પોલીસ મથકની ટિમ ત્યાં મહિલાઓને સમજાવવા આવી પહોંચી હતી.પણ એ મહિલાઓએ પણ એવી જીદ પકડી હતી કે જ્યાં સુધી આ રસ્તો નહિ બને ત્યાં સુધી અમે અહીંયાંથી હટીશું નહિ.છેલ્લે પોલીસ અધિકારીએ રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી અમિત પંડ્યાને સ્થળ પર બોલાવ્યા હતા.મહિલાઓએ એમને પણ પોતાની તકલીફો સમજાવી હતી.અંતે ટૂંક સમયમાં આ રસ્તાનું કામ ચાલુ કરાશે એવી બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.કલાકો બાદ ત્યાંથી વાહનોની અવરજવર ચાલુ થઈ હતી. મહિલાઓએ પોલીસ અને મુખ્ય અધિકારીને એ પણ ચીમકી આપી હતી કે જો આ રસ્તાનું કામ વહેલી તકે ચાલુ ન થયું તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન પણ કરીશું.

Next Story