Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારની શિક્ષકોને દિવાળી ભેટ, 7માં પગારપંચનો તફાવત ચૂકવવાની Dy CMની જાહેરાત

રાજ્ય સરકારની શિક્ષકોને દિવાળી ભેટ, 7માં પગારપંચનો તફાવત ચૂકવવાની Dy CMની જાહેરાત
X

સરકારે કરેલી જાહેરાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે

હાલ દિવાળીના તહેવારને લઈને ખુશીનો માહોલ વર્તાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે શિક્ષકોને ખુશ કરવા માટે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિવાળીના આગલા દિવસે જ શિક્ષકોને ખુશ કરતા નિર્ણયની જાહેરાત કરી સાતમા પગારપંચનો લાભ આપવાની ખાતરી આપી છે. રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમાં પગારપંચ પ્રમાણે તફાવતનો પ્રથમ હપ્તો ચૂકવવાની જાહેરાત કરી તેની ચૂકવણી ચાલુ માસમાં જ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતુ. રાજ્ય સરકારના આ નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થશે. સરકારે જાહેરાત કરતાં જાણે શિક્ષકોની દિવાળી સુધરી ગઈ છે.

નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનું ભારણ પડશે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને 7માં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણ ‘સ્કેલ ટુ સ્કેલ” ના ધોરણે લાગુ પાડવામાં આવ્યાં છે. જે અનુસાર 1 ઓગસ્ટ 2017થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચૂકવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે 1 જાન્યુઆરી 2016થી 31 જુલાઇ 2017 સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચૂકવવા અંગે રાજય સરકારે નિર્ણય કર્યો હતો.

Next Story