Connect Gujarat
ગુજરાત

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે,સસ્તા સોનાની લાલચમાં કોન્ટ્રાક્ટરે રૂપિયા 9 લાખ ગુમાવ્યા

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે,સસ્તા સોનાની લાલચમાં કોન્ટ્રાક્ટરે રૂપિયા 9 લાખ ગુમાવ્યા
X

સુરતમાં વરાછાના કોન્ટ્રાક્ટરને બે ગઠિયાઓ ખોદકામ દરમિયાન સોનુ મળ્યુ હોવાનું જણાવી ભેજાબાજો 1 કિલોના પિત્તળના બિસ્કટના બદલે 9,00,000 રૂપિયા પડાવીને ફરાર થઇ ગયા હતા.

સુરતના વરાછા વિસ્તારમાં એ.કે.રોડ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને કંસ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલ ધર્મેશભાઇ બાલુભાઇ રામાણીને ફેબ્રુઆરી મહિનામાં મહેશ ઢેઢુ નામની વ્યક્તિએ ફોન કરી ને જણાવ્યુ હતુ કે તેના એક મિત્રને ખોદકામ દરમિયાન સોનાના બિસ્કિટ મળ્યા છે અને તે સસ્તામાં વેચવાના છે.ત્યારબાદ તે વ્યક્તિએ રમેશ નામના શખ્સ સાથે ધર્મેશભાઇની વાત કરાવી હતી.ધર્મેશભાઇ ભેજાબાજ રમેશની વાતોમાં આવી ગયા હતા અને એક કિલો સોનાના બિસ્કિટના બદલે 9 લાખ રૂપિયા આપવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.

નક્કી થયા મુજબ બંને શખ્સો ધર્મેશભાઇને નાના વરાછા પાણીની ટાંકી સામે મળ્યા હતા અને 1 કિલો સોનાના બિસ્કિટના બદલે 9 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા.

ધર્મેશભાઇને શંકા જતા તેમણે સોની પાસે બિસ્કિટ ચેક કરાવ્યા હતા. ત્યારે સોનીએ બિસ્કિટ પિત્તળના હોવાનુ કહેતા જ ધર્મેશભાઇના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.

ગઠિયાઓના હાથે છેતરાયા હોવાની જાણ થતાં જ ધર્મેશભાઇએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story