Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ જાહેર માર્ગ ઉપર કારમાંથી પડી દારૂની બોટલો, લોકોએ ચલાવી લૂંટ

વડોદરાઃ જાહેર માર્ગ ઉપર કારમાંથી પડી દારૂની બોટલો, લોકોએ ચલાવી લૂંટ
X

દારૂની કેટલીક બોટલો ફૂટી જતાં રસ્તા ઉપર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી

ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે આજે શહેરના ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર કોઇની વિદેશી દારૂ ભરેલી પેટી પડી જતાં દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. કેટલાંક લોકો પોલીસ આવે તે પહેલાં દારૂની બોટલો પણ લૂંટી ગયા હોવાની વિગતો જાણવા મળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ન્યુ વી.આઇ.પી. રોડ ઉપરથી પસાર થઇ રહેલી કારમાંથી કોઇની વિદેશી દારૂની પેટી પડી ગઇ હતી. દારૂની પેટી રોડ ઉપર પડતાજ દારૂની કેટલીક બોટલો ફૂટી જતાં દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. તે સમયે પસાર થતાં લોકો પૈકી કેટલાંક લોકોએ દારૂની બોટલો જોતા જ ઉભા રહી ગયા હતા. અને હાથમાં જે બોટલ આવે તે લઇને રવાના થઇ ગયા હતા.

એવી પણ માહિતી મળી હતી કે, રોડ ઉપર દારૂની પેટી પડી હોવાની જાણ આસપાસમાં રહેતા લોકોને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. અને પોલીસ સ્થળ પર આવે તે પહેલાં દારૂની બોટલની લૂંટ ચલાવી સ્થળ પરથી રફૂચક્કર થઇ ગયા હતા. તો વળી કેટલાંક લોકોએ દારૂબંધીના ધજાગરા ઉડાડતી આ ઘટનાનો પોતાના મોબાઇલ પર વિડીયો ઉતારી શોશ્યલ મિડીયામાં વાયરલ કરી દીધા હતા.

દરમિયાન આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને રોડ ઉપર પડેલી દારૂની પેટી કબજે કરી હતી. પોલીસને સ્થાનિક લોકોમાંથી મળેલી માહિતીના આધારે જે કારમાંથી દારૂની પેટી પડી ગઇ હતી. તે અજાણ્યા કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

Next Story