Connect Gujarat
બ્લોગ

વર્ગખંડમાં ચાર છોકરા છે એનો પાડ માનો, લોકો એક છોકરા માટે ઊંધા પગે, અંબાજી ચાલતા જવાની બાધા રાખે છે

વર્ગખંડમાં ચાર છોકરા છે એનો પાડ માનો, લોકો એક છોકરા માટે ઊંધા પગે, અંબાજી ચાલતા જવાની બાધા રાખે છે
X

અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી, ગુજરાતી અને સી.બી.એસ.ઈ. એકેડમીના શિક્ષકો માટે રવિવાર, તારીખ ૧૭ મી જૂન મા શારદાભવન હોલ ખાતે ‘મોટીવેશનલ ટોક ફોર ઓલ ટીચર્સ’ સેમિનાર યોજાયો. બે વક્તા. એક : પૂર્વ ઉપકુલપતિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ડો.દક્ષેશ ઠાકર. બીજા : ભરૂચ એમિટી સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી આર.એમ.શાહ, શાળાના ટ્રસ્ટીઓ ભૂપેન્દ્રભાઈ શાહ, કિશોર સુરતી, ડો. મહેન્દ્ર પંચાલ, આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલાએ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું.

ડો.દક્ષેશ ઠાકર ઉવાચ :

વિશ્વની શ્રેષ્ઠ ૧૦ યુનિવર્સિટીમાં ભારતની એકપણ યુનિવર્સિટી ને સ્થાન નથી એવું જાણ્યા બાદ મેં ભારતની યુનિવર્સિટી શોધી નાખી જે વિશ્વમાં ક્યાંય નથી.

બાંકડા યુનિવર્સિટી,

પાનના ગલ્લા યુનિવર્સિટી

હેર કટીંગ સલુન યુનિવર્સિટી

દારૂ પીધેલો માણસ યુનિવર્સિટી

સિનિયર સિટીઝન ગ્રૃપની મીટીંગ યુનિવર્સિટી

રેલવેનો લોકલ ડબ્બો યુનિવર્સિટી

હું શિક્ષણની આવતીકાલ, વર્તમાન અને શિક્ષકોની ખામી અને ખૂબીઓ પર બોલવા અધિકૃત વક્તા છું. મારી પાસે પ્રધ્યાપક, આચાર્ય, વાઈસ ચાન્સેલર સુધીના અનુભવોના ભંડાર છે.

ધોરણ-૧૨માં નાપાસ થતા પિતા સાથે ઝઘડો કરી ઘર છોડી ચાલી નીકળેલો માથા ફરેલ છોકરો, ભણ્યો, એક શિક્ષકે મારી એફ.વાય.ની ફી ભરી. મન દઈને ભણ્યો, પી.એચ.ડી. થયો. આજે Ph.D નો ગાઈડ છું. જે પ્રધ્યાપકે મારી ફી ભરી હતી તેને ફીના પૈસા પરત આપવા ગયો તો મને કહે દક્ષેશ તારી જાણમાં કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થી આવે તો તેની ફી ભરજે. આ પૈસા મારે પરત જોઈતા નથી. આવા શિક્ષકો છે.

એક શાળાના આચાર્ય તેમની નેમ પ્લેટ પર એમના નામની ખોટી જોડણી લખતા, મેં એમને કહ્યું “પ્રવીણ”ની સાચી જોડણીમાં દીર્ઘ ઈ આવે તો મારાથી નારાજ થઈ ગયેલા.

સાચી જોડણી, સ્પષ્ટ ઉચ્ચારનો આગ્રહી સાચો અસરદાર શિક્ષક બની શકે.

હું આચાર્ય, કોલેજમાં ત્રણ છોકરી અને એક છોકરાને મેં લોબીમાં જોયા. કેમ અહીં છો, ક્લાસમાં નથી ગયા ?, છોકરાઓએ કહ્યું, ‘સંસ્કૃતનો તાસ છે, સરે કહ્યું ચાર જણા છો તો આજે નહિં ભણાવું ?’ મેં સંસ્કૃતના પ્રધ્યાપકને બોલાવ્યા એ કહે ચાર જણા હતા એટલે મેં જવા દીધાં, મેં કહ્યું, “પ્રોફેસર, ચાર છોકરા છે એનો પાડ માનો, લોકો એક છોકરા માટે ઊંધા પગે અંબાજી ચાલતા જવાની બાધા રાખે છે.

વિદ્યાર્થીને સમજો, સમજાવો, એક આંખમાં ધાક, બીજી આંખમાં મમતા રાખો. તમારામાં જે ગુરૂત્વ છે તેનાથી શિક્ષકાત્વ આવશે, વિદ્યાર્થીને પ્રેમ આપો.

આજના વખતમાં કોઈ હાથ મિલાવે હસ્તધૂનન હેન્ડશેક કરે તો હાથ મિલાવ્યા પછી જોઈ લેવું પડે કે એક અંગૂઠો અને ચાર આંગણી હાથના પંજામાં રહી છે ને એકાદી સામે હાથ મિલાવનારે સરકાવી તો લીધી નથી. આ કાતિલ સમયમાં શિક્ષકને ભાગે કપરી જવાબદારી છે.

શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમેં પલતેં હૈ – ચાણક્ય, આ વાક્યમેં સ્કૂલ, કોલેજમાં વાંચ્યાં છે. મેં પાંચ વાર ચાણક્યનિતી વાંચી છે એમાં આવું ક્યાંય લખ્યું જ નથી. સાચું વાક્ય આ છે : સાધારણ કભી શિક્ષક નહી હોતા.

સુરેશ જોષીનું એક પુસ્તક છે : વિદ્યા વિનાશના માર્ગે, એકએક શિક્ષકે વાંચવું જોઈએ.

હું જે વાત કરીશ તે હ્રદયથી સાંભળજો મનમાં ઉતારજો તમારા ૬૪ લાખ રૂવાડા ઊભા થઈ જશે. જો એમ ન થાય તો માનજો તમને ચામડી નથી સનમાઈકા છે.

શ્રી આર.એમ.શાહે ટેન કમાન્ડમેન્ટસ્ ટીચર્સ જણાવ્યા એ બીજા બ્લોગમાં લખીશ.

Next Story