Connect Gujarat
ગુજરાત

હાર્દિકને શરતી જામીન મળતા પાટીદારોએ કરી ઉજવણી

હાર્દિકને શરતી જામીન મળતા પાટીદારોએ કરી ઉજવણી
X

રાજદ્રોહ કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને હાઇકોર્ટે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે જામીન મંજૂર કર્યા છે. હાર્દિકને જામીન મળવાથી પાટીદાર સમાજ આનંદની લાગણી અનુભવી રહ્યો છે. હાર્દિકને જામીન મળ્યાની ખુશીમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી.

હાર્દિકને જામીન આપવામાં આવતા વિરમગામ ખાતે તેના પરિવારજનોએ ઉજવણી કરી હતી. ગ્રામજનો પણ ફટાકડા ફોડીને હાર્દિકના પરિવારજનો સાથે ઉજવણીમાં ભાગીદાર બન્યા હતા. સુરતમાં પણ પાટીદારોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

હાર્દિકને અમદાવાદ અને સુરત રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળ્યા છે. તેમ છતાં વિસનગર હિંસા કેસમાં તેની જામીન અરજી પેન્ડિંગ હોવાના કારણે તેનો છૂટકારો નહી થાય. વિસનગર કોર્ટમાં હાર્દિકની જામીન અરજી પર 11મી તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે. વિસનગર કોર્ટ હાર્દિકના જામીન મંજૂર કરશે તો હાર્દિક 15 તારીખ સુધી જેલની બહાર આવી જશે.

અમદાવાદમાં હાર્દિક પર ભડકાઉ ભાષણ આપવા અને સરકારી મિલકતને નૂકસાન પહોંચાડવા બદલ રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. જ્યારે સુરતમાં એક યુવકને પોલીસકર્મીઓ વિરુદ્ધ ભડકાવવા બદલ રાજદ્રોહ કેસ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ 18 ઓક્ટોબર 2015થી સુરતની લાજપોર જેલમાં કેદ છે.

Next Story