Connect Gujarat
દેશ

સોશ્યલ મિડીયા પર રાષ્ટ્રીય પર્વનો ઉન્માદ

સોશ્યલ મિડીયા પર રાષ્ટ્રીય પર્વનો  ઉન્માદ
X

સ્વચ્છ ભારત, આતંકવાદી પ્રવૃત્તિ, ચીનની ધમકી, પાકિસ્તાનનો કાશ્મીરનો સુર હોય કે બસ દેશ પ્રત્યેની ભાવના દર્શાવવા માટે આંગળીના ટેરવે મોબાઈલમાં એક માત્ર મેસેજ ફોરવર્ડ કરવાનો અને દેશભક્તિ માટેની સોશ્યલ લાગણી વ્યક્ત કરીને રાષ્ટ્ર પ્રેમ દર્શાવો !

૨૬મી જાન્યુઆરી, ૧૫મી ઓગષ્ટ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે એકના એક ફોરવર્ડ સંદેશાઓ મોબાઈલમાં ઘુઘવાતા રહે છે, અને એડવાન્સમાં રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવામાં આવી હોવાની લાગણી પણ તેમાં બતાવવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરુ કરાવ્યુ અને હોંશેહોંશે નેતાઓ સહિત લોકોએ ઝાડુ, સુપડી, ડસ્ટબીન જેવા સાધનો હાથમાં પકડીને સફાઈમાં જોડાયા પરંતુ આ એકજ દિવસનો ઉત્સાહનો ચરુ ક્યારે સમી જાય છે. તે સમજવું પણ અઘરું છે. પરંતુ આ સેવાકીય કામનાં ફોટો અને વિડીયો અચૂક વાઇરલ બને છે.

દેશદ્રોહી, પાકિસ્તાનની આતંકીઓ, ચીનની વસ્તુઓનો બહિષ્કાર પ્રત્યે પોતાની દેશદાઝ દર્શાવવા માટે પણ મેસેજ તો ચાઇનાની બનાવટના મોબાઈલ ફોનથી જ કરવાના અને પોતે દેશ ભક્ત છે તેવું મેસેજમાં બતાવવાનું. એક સમયે ધાર્મિક તહેવારો કરતા રાષ્ટ્રીય તહેવારોનો ઉન્માદ અને ઉત્સાહ વધુ જોવા મળતો હતો ,જ્યારે હવે રાષ્ટ્ર પ્રેમ અને નાગરિક શિસ્તમાં શૂન્ય અવકાશ કહી શકાય.

પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આપણે જરૂરી કરતા થયા છે, પણ એક સત્યએ પણ છે કે અમેરિકા, બ્રિટિશ, ફ્રેન્ચ, જર્મની, ઇઝરાયલ, રશિયા, જાપાન, ચીન સહિતના દેશોનાં લોકોમાં દેશદાઝ જબરો અને દેશ માટે ગૌરવ પણ જોવા મળે છે. જ્યારે આપણે સ્વચ્છતાની વાતો સાથે પાન - માવાની પીચકારી જાહેર જગ્યા કે રોડ ગમે ત્યાં મારતા પણ શરમાતા નથી.

ભ્રષ્ટાચાર લગભગ વિશ્વના દરેક ખૂણે હશે પરંતુ આપણા ત્યાં ખાણીપીણીની વસ્તુઓ પણ તેમાંથી બાકાત રહી નથી, માત્ર નફો રળી લેવાનો મનસૂબો. તહેવારોને અનુરૂપ બનતી ખાવાની વાનગીઓમાં પણ મિલાવટ કરીને લોકોને ઓડકાર આપતા વેપારીઓ પણ પોતાને દેશભક્ત જ ગણે છે.

ખેર શ્રાવણ માસ અને દેશ આઝાદીનો આ મહિનો છે એટલે ભક્તિરસ સાથે રાષ્ટ્રભક્તિ બતાવીને સોશ્યલ મિડીયા પર વીરરસ પણ દર્શાવવો પડે ! તેથી રાષ્ટ્રીય તહેવારમાં ભલે સોશ્યલ મિડીયામાં પણ દેશપ્રેમ બતાવવો જરૂરી છે. જય હિન્દી ... જય ભારત ...

Next Story