Connect Gujarat
બ્લોગ

શુભ પ્રસંગે કેટલો વ્યવહાર કરવો ?

શુભ પ્રસંગે કેટલો વ્યવહાર કરવો ?
X

જે ખમતીધર છે એના પરિવારમાં શુભ પ્રસંગે આમંત્રણ પત્રિકામાં નો ફ્લાવર્સ, નો ગિફ્ટ, ઓનલી બ્લેસિંગ્સ ફૂટનોટમાં લખેલું દર દસ આમંત્રણ માંથી પાંચમાં વાંચવા મળે છે. જે આવી કોઈ વિશેષ નોંધ લખતા નથી એમનું આમંત્રણ મળે એટલે વાર, તારીખ, સમય અને આપણો એમની સાથેનો સંબંધ કેટલો દૂ...રનો કે સમીપનો છે એ નક્કી કરી આપણે ઘરે પ્રસંગ હતો ત્યારે કેટલો ચાંલ્લો કરેલો એના રેશીયોમાં વધારો કરી શકાય. (ઘટાડો કરવાનો નમોનાં રાજમાં શક્ય નથી)

હવે રોકડા આપવા કે ગિફ્ટ આપવી એ નક્કી કરાય, પછી આપણે ત્યાં શુભ પ્રસંગે કેટલી ગિફ્ટ માળિયામાં ઠાસી ઠાસીને ભરેલી છે એનું નવું ગીફ્ટ રેપર થઈ શકે છે કે નહિ એ નક્કી થાય, જો લગ્નનું આમંત્રણ હોય તો લગ્ન પછી નવદંપતિ જુદા રહેવાના છે તો આપણને મળેલી ગીફ્ટ એમને ઘર માંડવામાં કે સજાવવામાં કેટલી કામ લાગશે એની ચર્ચા વિચારણા થાય.

જો, રોકડા આપવાના નક્કી થાય તો ગ્રહશાંતિમાં પાટલે બેસે એને કેટલા ? પગે લાગે ત્યારે કેટલા ? લગ્નમાં કન્યાદાનમાં કેટલા ? સત્કાર સમારંભમાં હસતો ચહેરો રાખી ફોટો પડાવતી વખતે કેટલા ? એનું ટોટલ થાય. આ માટે કવર જોઈએ હવે તો એટલા ફેન્સી કવર મળે છે કે કવરની કિંમત ચાંલ્લાની રકમના દસ ટકા થઈ જાય. બાપુ ! સંબંધ એવો છે કે આમાં પૈસાની ગણતરી ના થાય. આપણે ત્યાં ખડે પગે એમણે જાનની આગતા સ્વાગતા કરેલી, બસની ગોઠવણ, ટેમ્પો ટ્રેક્સ, આઈટેન, સુમો, મોંઘીદાટ ફોરેનની કાર ડ્રાઈવર સાથે હાજરાહજૂર હતી એટલે વરસી પડો એકના ડબલ કરો.

રોકડા જે કવરમાં મૂકીને આપવાના હોય એટલે કડકડતી સો, પાંચસો, બે હજારની નોટ સાથે એકની નોટ મળે તો ઠીક નહિ તો રાઉન્ડ ફીગર. હવે સૌથી યક્ષપ્રશ્ન કવરને બંધ કરી ગુંદર, ગ્લુ, ફેવિસ્ટીક લગાડી ચોંટાડવાનું. આ કવર ચોંટાડવાનું કામ જે પરાક્રમી ભડવીરો કરે છે એ એવી રીતે કરન્સી નોટને પણ સાથે ચોંટાડે છે કે જે જમાઈ, બેંકના નિવૃત કર્મચારી જે સગા છે એ સ્વજનો એક કાળી બેગ કે બહુ ખાનાનાં ચેઈનવાળા પાકિટમાં કવર પર નંબર લખી કલેક્શન લખે છે, જે માટે સરસ મજાની એ ફોર સાઈઝની નોટબુક આવી ગઈ છે એમાં લખાણ થયા પછી, બીજા દિવસે થાક ઉતરે એટલે ગણતરી શરૂ થાય. એ આપણે પચાસ હજાર કે ઉપરનું કલેક્શન મળે તો બીટ મારીને લખું છું એક હજાર રૂપિયાના કવર અને રોકડા. આપે ગુંદર, ગ્લુ, ફેવિસ્ટીક કે જે પદાર્થ ચોંટાડેલો છે તેને જુદા જ ન કરી શકો.

મારા પુત્ર જીગર અને શિવાનીના લગ્નનો આ અનુભવ છે, દોઢ દાયકા પછી મારા પાડોશીનો પુત્ર ચિંતન અને અર્ચનાનાં લગ્નનાં પણ આજ હાલ છે.

પ્રેમપૂર્વક લગ્ન માહોલ કે શુભપ્રસંગ એ જ ઉત્સવ છે. જે કાંઈપણ ભેટ, સોગાદ, રોકડા આપો તો એ રીતે આપો કે એને ખોલવામાં કે લખવામાં સ્વજનને તકલીફ નહિ પડે.

કુર્યાત સદા મંગલમ્

Next Story