તા. ૩૧ ઓકટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. સરદાર વલ્લભભાઇ પટેલે દેશના અનેક રજવાડાઓ એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં અતિમહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓના સન્માનમાં દર વર્ષે તા. ૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસ અન્વયે સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અનુસંધાને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચના પ્રાંત અધિકારી એમ.એન.મનાણી સહિત વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા.