ભરૂચ: આમોદ નગરમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી મળશે મુક્તિ, નગર સેવા સદન દ્વારા સાફ સફાઈ શરૂ કરાય
નગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ પોતાના ઘરનાં ભૂગર્ભ કનેક્શન્સ પર લોખંડની જાળી લગાવવી જોઈએ જેથી ગટર જામ થવાની સમસ્યા ટાળી શકાય. ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ આમોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાતાની ઘટનાઓ સામે આવતા શહેરીજનોમાં ચિંતા પ્રસરી હતી. નાગરિકોએ આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. આ અંગે સમાચાર મીડિયામાં પ્રકાશિત થતાં જ નગરપાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક પગલાં ભરી કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી.નગરપાલિકા સ્ટાફ અને સફાઈ કામદારો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરોની સફાઈ હાથ ધરવામાં આવી હતી.
નગરપાલિકા એસ.આઈ.ના જણાવ્યા મુજબ મારુવાસ વિસ્તારમાં ગટરમાંથી પ્લાસ્ટિકની બોટલો, કપડા અને અન્ય કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે દરબારી હોલ પાસેની ગટરની પાઈપલાઈનમાંથી પ્લાસ્ટિકના ગ્લાસ, ચમચી અને કંતાન જેવી સામગ્રી મળી આવી હતી, જેના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ થયો હતો.
નગરપાલિકા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ પોતાના ઘરનાં ભૂગર્ભ કનેક્શન્સ પર લોખંડની જાળી લગાવવી જોઈએ જેથી આવી વસ્તુઓ ગટર પાઈપલાઈન સુધી ન પહોંચે અને ગટર જામ થવાની સમસ્યા ટાળી શકાય.
