હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસ્યો ધોધમાર વરસાદ

અતિભારે વરસાદના કારણે સમગ્ર શહેર વિસ્તારમાં જળમગ્ન

નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત

મ્યુનિ. કમિશનર એમ. નાગરાજને પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો

નાગરિકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા ખાસ અનુરોધ

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદથી સુરત શહેર જળમગ્ન બન્યું છે. વહેલી સવારથી જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, જ્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

સુરત શહેરમાં વાવાઝોડા અને મેઘરાજાના તાંડવ વચ્ચે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. શહેર તથા જીલ્લામાં ભારે વરસાદના કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, 30 જુલાઈનું ઓરેન્જ એલર્ટ પૂર્ણ થયા બાદ હવે 31 જુલાઈએ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે સાચું સાબિત થઈ રહ્યું છે. શહેરમાં કલાકે કલાકે વરસાદની તીવ્રતામાં સતત વધારો થઈ રહ્યો છે.

સુરત શહેરના તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા જિલ્લાના તમામ કારખાનાઓ 2 દિવસ માટે બંધ રાખવાનો આદેશ જારી કરાયો છે, જ્યારે 1 ઑગસ્ટ એટલે કે, આવતીકાલે પણ તમામ શાળા-કૉલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિકોને સલામત સ્થળે રહેવા તેમજ સરકારી તંત્રની સૂચનાઓનું પાલન કરવા ખાસ અનુરોધ કરાયો છે.