-
ટેક્નોલોજીની મદદથી લૂંટનો ભેદ ઉકેલાયો
-
ધારિયું બતાવી લૂંટ કરનાર ત્રણ શખ્સો ઝડપાયા
-
પોલીસે ખજુરીયા ગામના લૂંટારૂઓને દબોચ્યા
-
પાંડવ વનમાં સહેલાણીઓને નિશાન બનાવતા
-
પોલીસે ચાંદીના ઘરેણાં અને સ્પોર્ટ્સ બાઇક કરી કબજે
દાહોદના પ્રખ્યાત પ્રવાસન સ્થળ પાંડવ વન વિસ્તારમાં લૂંટ ચલાવી ભયનો માહોલ ઉભો કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ધારિયું બતાવીને નિર્દોષ લોકોને લૂંટતી આ ટોળકીના ત્રણ સાગરીતો હવે પોલીસના સકંજામાં છે.
દાહોદના કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા પાંડવ વન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો હતો. તાજેતરમાં બે વ્યક્તિઓને ધારિયું બતાવી ડરાવી-ધમકાવી તેમની પાસેથી ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. આ મામલે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ એક્શન મોડમાં આવી હતી.
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે ‘નેત્રમ‘ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને સાથે જ હ્યુમન ઈન્ટેલિજન્સ એટલે કે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું. ટેકનોલોજી અને બાતમીના આધારે પોલીસે દાહોદના ખજુરીયા ગામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા ચાંદીના કિંમતી ભોરયા રિકવર કર્યા છે. આટલું જ નહીં, લૂંટની ઘટનાને અંજામ આપવા માટે જે સ્પોર્ટ્સ બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે બાઈક પણ પોલીસે કબ્જે કરી છે. હાલમાં બી ડિવિઝન પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે કે શું તેઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં.
