-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારનું પ્રોત્સાહન સાંપડ્યું
-
ગ્રામ્ય વિસ્તારની પરંપરાગત વિવિધ કલાઓ વૈશ્વિક બ્રાન્ડ બની
-
‘કોપર બેલ’ હસ્તકલાને GI ટેગ મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજશે
-
500થી વધુ ડિઝાઈનમાં તૈયાર થતી ઘંટડીઓની વિદેશોમાં માંગ
-
લોખંડના ભંગારમાંથી મધુર રણકાર પેદા થતાં ઘરની શોભા વધી
-
અમેરિકા અને બ્રિટન જેવા દેશોના ડ્રોઈંગ રૂમની શોભા ખૂબ વધારી
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારના પ્રોત્સાહનથી સરહદી ગામડાઓની પરંપરાગત વિવિધ કલા હવે વૈશ્વિક બ્રાન્ડ બની છે. કચ્છની સદીઓ જૂની ‘કોપર બેલ’ હસ્તકલાને જીઆઈ ટેગ (GI Tag) મળતા હવે આ કલા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજશે. GI ટેગ મળ્યા બાદ, ૫૦૦થી વધુ નવી ડિઝાઈનમાં તૈયાર થતી આ ઘંટડીઓ હવે વિદેશમાં મોટા પાયે નિકાસ થાય છે. લોખંડના ભંગારમાંથી મધુર રણકાર પેદા કરતી આ કલાત્મક ઘંટડીઓ અમેરિકા અને બ્રિટન જેવા દેશોના ડ્રોઈંગ રૂમની શોભા વધારી રહી છે.
કચ્છનું ઝુરા ગામ કોપર બેલ હસ્તકલાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં પેઢીઓથી કારીગરો લોખંડના ભંગારને ટીપીને કલાત્મક ઘંટડીઓ કંડારે છે. આ પ્રક્રિયામાં ઘંટડીની બોડી, કેપ અને હેન્ડલ તૈયાર કર્યા બાદ તેના પર તાંબા કે પિત્તળનું પડ ચઢાવવામાં આવે છે. ત્યારબાદ તેને ભઠ્ઠીમાં તપાવીને આખરી ઓપ અપાય છે. અંતે, કારીગરો પોતાની કોઠાસૂઝથી તેમાં મધુર રણકાર પેદા કરે છે.
ભૂતકાળમાં આ ઘંટડીઓ માત્ર પશુઓના ગળામાં બાંધવા માટે વપરાતી હતી, પરંતુ આજે ડેકોરેટિવ આઈટમ તરીકે તેની માંગ વધી છે. ‘ગરવી ગુર્જરી’ અને રાજ્ય સરકારની લોન તેમજ વર્કશોપ જેવી યોજનાઓએ આ કલાને આધુનિક ઓપ આપ્યો છે, ત્યારે કારીગરો હવે ૧ થી ૧૪ નંબર સુધીની વિવિધ સાઈઝમાં નકશીદાર ઘંટડીઓ તૈયાર કરે છે. ખાસ કરીને હસ્તકલાના શોખીનોમાં આ બારીક નકશીકામ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વધુમાં આ વૈશ્વિક ઓળખને કારણે સ્થાનિક કારીગરો આર્થિક રીતે સધ્ધર બન્યા છે અને ગ્રામીણ અર્થતંત્રને નવો વેગ મળ્યો છે.
