• મમતા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડા

  • ગર્ભપરીક્ષણ અને ભ્રુણ હત્યાના નેટવર્કનો પર્દાફાશ

  • ડોક્ટર નહીં પરંતુ ફાર્માસિસ્ટ આચરતો હતો કૌભાંડ

  • સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ

  • પોલીસે ફાર્માસિસ્ટની ધરપકડ કરીને તપાસ હાથ ધરી 

સુરતના વરાછા રોડ પર આવેલી મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આરોગ્ય વિભાગે દરોડા પાડીને ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રુણ હત્યાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રુણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વરાછા રોડ પર આવેલી મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આરોગ્ય વિભાગે દરોડા પાડીને આ આખા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે.

આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ છેજે પોતે કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર નથી પરંતુ માત્ર એક ફાર્માસિસ્ટ છે. નવાઈની વાત એ છે કેરામગોપાલ વર્ષ 2025માં પણ વરાછાની શિવાય હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા ઝડપાઈ ચૂક્યો હતો. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેણે જરાય સુધરવાને બદલે મમતા હોસ્પિટલના નામે નવી હાટડી ખોલી દીધી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે જ્યારે હોસ્પિટલના પહેલા અને બીજા માળે ઓચિંતી રેડ પાડી ત્યારે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી ગેરકાયદે ગર્ભપાત કરાવવા આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવી હતી.

આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા મમતા હોસ્પિટલને સંપૂર્ણપણે સીલ મારી દીધું છે. વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.