-
પીએમ મોદીના સંકલ્પને મળ્યો વેગ
-
ગરુડેશ્વરમાં 665 પરિવારો બાયોગેસથી થયા ધુમાડા મુક્ત
-
એકતા નગર વિસ્તારમાં પર્યાવરણ અને સ્વાસ્થ્યનું જતન
-
1000 ઘરોમાં બાયોગેસ પ્લાન્ટનો લક્ષ્યાંક
-
DRDA દ્વારા બાકી રહેલા 335 યુનિટ્સ સ્થાપવાની પ્રક્રિયા
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં વસતા 1000 આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બનશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસે કરેલી જાહેરાત મુજબ, ગરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ બની છે. અત્યાર સુધીમાં 665 ઘરોમાં પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે.
એકતાનગરના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં ગરુડેશ્વર તાલુકામાં ઊર્જા ક્રાંતિના મંડાણ થયા છે.89 ગામોમાં અમલી આ યોજના હેઠળ 665 આદિવાસી પરિવારોના રસોડા ધુમાડા મુક્ત બન્યા છે.વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પરંપરાગત ઈંધણનો ત્યાગ કરી ગ્રીન એનર્જી અપનાવવાનો છે.
લઘુત્તમ ત્રણ પશુ ધરાવતા પરિવારોને 2 ઘન મીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે. દરરોજ 50 કિલો છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો ગેસ સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે. આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી છે અને ધુમાડાથી થતા આંખોના રોગોમાં પણ રાહત મળી છે. વધુમાં, પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ બની છે.
સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે. નર્મદા જિલ્લા પંચાયત અને DRDA દ્વારા બાકી રહેલા 335 યુનિટ્સ સ્થાપવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. આ પહેલથી સ્થાનિક આદિવાસી પરિવારો આર્થિક રીતે સધ્ધર બનવાની સાથે પર્યાવરણ સુરક્ષામાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
