-
તળાજાના સરતાનપર બંદરે કાળજું કંપાવનારી દુર્ઘટના
-
સરતાનપર દરિયામાં એક જ પરિવારના ૩ બાળકો ડૂબ્યા
-
દરિયાના તોફાની પાણીમાં સગા ભાઈ-બહેનના કરુણ મોત
-
સર્જાયેલી દુર્ઘટનામાં એકનો ચમત્કારિક બચાવ
-
વેકેશનના માહોલ વચ્ચે પરિવાર પર આભ તૂટ્યું
ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર બંદર નજીક દરિયામાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો દરિયાના તેજ પ્રવાહ અને ઉછળતા મોજાની ઝપેટમાં આવી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ અકસ્માતમાં બે બાળકોના કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ભાવનગરના તળાજા તાલુકાના સરતાનપર બંદર વિસ્તારના સમુદ્ર કિનારે એક જ પરિવારના ત્રણ બાળકો પાણીમાં ઉતર્યા હતા. દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં ત્રણેય બાળકો ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. બચાવ કામગીરી દરમિયાન એક બાળકીને સહીસલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી. જ્યારે અન્ય બે બાળકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.
મૃતકોમાં 7 વર્ષીય આયુષ રમેશભાઈ જાદવ અને 9 વર્ષીય શિવાની જાદવનો સમાવેશ થાય છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાના સમાચાર ગામમાં પહોંચતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સરતાનપર બંદર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
