શેર માર્કેટ ટ્રેડિંગના નામે રૂ. 27.20 લાખની છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગના 5 શખ્સોની સુરત સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં તાજેતરમાં જ સુરતમાં ક્રિપ્ટો અને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે ઓડિશા અને પશ્ચિમ બંગાળથી ઓપરેટ થતી આંતરરાજ્ય ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ શેર માર્કેટ ટ્રેડિંગના નામે ફરિયાદીને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી, ખોટી એપ્લિકેશન દ્વારા વધુ નફાની લાલચ આપી રૂ. 27.20 લાખની છેતરપિંડી આચરી હતી. આરોપીઓના કરંટ બેંક ખાતામાં ટૂંકા સમયગાળામાં જ રૂ. 6.53 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો પણ પોલીસને મળી આવ્યા છે. આ જ બેંક ખાતા વિરુદ્ધ દેશભરમાંથી NCCP પોર્ટલ પર કુલ 149 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. જોકે, પકડાયેલા આરોપીઓ અગાઉ કર્ણાટક, બેંગ્લોર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિવિધ સાયબર ગુનાઓમાં સંડોવાયેલા છે, ત્યારે હાલ તો સુરત સાયબર ક્રાઇમ પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
