ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અરગામા-વિલાયત રોડ પર કારની ટક્કરે નીલગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતના પગલે કારને પણ મોટું નુકસાન પહોચ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અરગામા-વિલાયત ચોકડી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અરગામાથી વિલાયત ચોકડી તરફ જઈ રહેલી કાર અચાનક રોડ પસાર કરવા આવેલી નીલગાય સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, નીલગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જતાં વાહનને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, કાર સામાન્ય ગતિએ આગળ વધી રહી હતી, ત્યારે અચાનક નીલગાય રોડ પર આડી આવી ચઢતાં કાર ચાલકને બ્રેક મારવા અને વાહન પરનો કાબૂ જાળવવાનો સમય મળ્યો ન હોતો. પરિણામે કાર અને નીલગાય વચ્ચે જોરદાર ટક્કર સર્જાય હતી. જોકે, અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સ્થાનિકોએ વાહનચાલકોને ખાસ કરીને રાત્રિના સમયે અને વહેલી સવારે આ માર્ગ પરથી પસાર થતી વખતે વાહનની ગતિ મર્યાદિત રાખવા અને સંપૂર્ણ સાવચેતી સાથે વાહન હંકારી પોતાની તથા અન્ય લોકોની સુરક્ષા જાળવવા અપીલ કરી છે.