ભરૂચ APMC માર્કેટમાં દિવસે દિવસે વધી રહેલી ગંદકી, કચરાના ઢગલા અને ગટરના પાણીના ભરાવાના પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

ભરૂચ APMC માર્કેટમાં દિવસે દિવસે વધી રહેલી ગંદકી, કચરાના ઢગલા અને ગટરના પાણીના ભરાવાથી વેપારીઓ અને ખરીદદારો ત્રસ્ત બન્યા છે. જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના વિરોધમાં આજે  ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી અને ચૂંટાયેલા નગરપાલિકા સદસ્યો ઝુબેર પટેલ દ્વારા APMC માર્કેટની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે માર્કેટના રસ્તાઓ પર કચરો, શાકભાજીના સડેલા ઢગલા અને ગંદુ પાણી ભરાયેલું છે. સ્વચ્છતા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી મચ્છર અને રોગચાળો ફેલાવાનો ભય સર્જાયો છે. વેપારીઓએ પણ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં APMC ના વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તેવી રાવ વ્યક્ત કરી હતી. આ સંજોગોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો દ્વારા APMC ના વહીવટી તંત્રને તાત્કાલિક ગંદકીનો નિકાલ કરવા અને કાયમી સ્વચ્છતાની વ્યવસ્થા કરવા કડક ચીમકી આપવામાં આવી છે. જો 7 દિવસની અંદર ગંદકી સાફ નહીં કરવામાં આવે અને કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.