ભરૂચના હાંસોટની ખેડૂત સહકારી ખાંડ ઉધોગ સંઘ પંડવાઈ સુગરની ચૂંટણીમાં રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલ સામે તેમના ભાઈ વલ્લભ પટેલ પણ મેદાનમાં  ઉતરતા 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે.

ભરૂચના હાંસોટની પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની 5 સપ્ટેમ્બરે યોજાનારી મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. સહકાર પેનલ તરફથી હજારો કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં આજે 15 ઉત્પાદક અને 1 બિન-ઉત્પાદક મળી કુલ 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા.અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે રાજ્ય જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે હજારો ટેકેદારો, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન ભરી શક્તિપ્રદર્શન કર્યું હતું. સહકાર પેનલના નેતા રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 1998 થી જ્યારે તેમને આ ફેક્ટરીનો વહીવટ સોંપવામાં આવ્યો હતો, ત્યારે પૂરતા પ્રમાણમાં શેરડી મળતી નહોતી અને ફેક્ટરી પર ₹ 40 કરોડનું દેવું હતું. ટૂંક જ સમયમાં દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને  દેવા મુક્ત કરી હતી. શરૂઆતમાં 2500 ટન ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું વિસ્તરણ કરીને 5000 ટન સુધી પહોંચાડવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, 2007-08 માં 30000 લીટર ક્ષમતાનો ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરાયો હતો, જેને બાદમાં વધારીને 60000 લીટર કરવામાં આવ્યો છે.વિરોધી પેનલ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, સામેની પેનલ પાસે 16 ઝોનમાંથી પૂરતા ઉમેદવારો પણ નથી અને માંડ 6 ઝોનમાં જ ફોર્મ ભરાયા છે. ભૂતકાળમાં જ્યાં ચૂંટણીમાં 80-20 નો રેશિયો રહેતો હતો, ત્યાં આ વખતનો માહોલ જોતાં તેમની સહકાર પેનલને 90% કરતા વધુ સમર્થન મળશે.

ઉલ્લેખનીય છે કે, 6500 સભાસદો ધરાવતી પંડવાઈ સુગરની ચૂંટણીમાં રાજયકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ સામે તેમના મોટા ભાઈ વલ્લભ પટેલે પોતાની ઉમેદવારી સાથે પેનલ ઉતારી 12 ફોર્મ ભર્યા છે. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 33 ફોર્મ ભરાયા હતા. સહકાર પેનલના ઉમેદવારો 5 બેઠકો પર બિન હરીફ રહ્યા હતા. જ્યારે 24 મીએ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ.25 ઓગસ્ટે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. મતદામ 5 સપ્ટેમ્બરે અને 6 ઠ્ઠી એ મતગણતરી હાથ ધરનાર છે.