સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે સ્થાનિક રહીશોએ સુરત મહાનગરપાલિકાના સરથાણા ઝોન કાર્યાલય ખાતે મોરચો માંડ્યો હતો.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટી નજીક ગેરકાયદેસર બાંધકામની પ્રવૃત્તિ અટકાવવા સ્થાનિકો મેદાનમાં આવ્યા છે. અગાઉ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ એક્ટિવિટી અટકાવવા માટે લોકોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી. પરંતુ મનપાના અધિકારીઓ માત્ર નોટી આપીને સંતોષ માની લેતા હવે લોકોમાં આક્રોશ ફાટ્યો છે. ‘સુરત મહાનગરપાલિકા જાગો, સોસાયટીનો અવાજ સાંભળો, અધિકારી જવાબ આપો’ના સૂત્રોચ્ચાર સાથે લોકોએ કાળી પટ્ટી બાંધી રેલી યોજી હતી. આ સાથે જ વિરોધ કરનારા આગેવાનોને અસામાજિક તત્વોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.