ભરૂચ શહેરમાં સાતમ, જન્માષ્ટમી, છડી, મેઘરાજની સવારી તથા લોકમેળાના આયોજનને ધ્યાનમાં રાખીને સોનેરી મહેલ વિસ્તાર તરફ જતા ચાર મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભરૂચમાં પરંપરાગત છડીનોમનો મેળો લાંબા સમયથી યોજાય છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે મળેલી સત્તાનો ઉપયોગ કરી આ જાહેરનામું બહાર પાડ્યું છે. આ મુજબ 3 સપ્ટેમ્બર 2026ના સવારે 8 વાગ્યાથી 6 સપ્ટેમ્બર 2026ના રાત્રે 12 વાગ્યા સુધી સંબંધિત માર્ગો પર તમામ પ્રકારના વાહન વ્યવહાર પર પ્રતિબંધ રહેશે.

પ્રતિબંધિત માર્ગોમાં પાંચબત્તીથી સોનેરી મહેલ, લલ્લુભાઈ ચકલા થઈ ભોઈવાડ સોનેરી મહેલ, હાથીખાના ત્રણ રસ્તાથી સોનેરી મહેલ તથા કોઠી એડુસ રોડથી સોનેરી મહેલ સર્કલ સુધીના રૂટનો સમાવેશ થાય છે.મેળા દરમિયાન ભરૂચ શહેર તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો સોનેરી મહેલથી પાંચબત્તી સુધી યોજાનારા લોકમેળામાં પહોંચવાના હોવાથી ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચલી કક્ષાના ન હોય તેવા પોલીસ અધિકારી/કર્મચારીને અધિકૃત કરવામાં આવ્યા છે.