શ્રીલંકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી શિરાંથી રાજપક્ષેની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ તેમની એનજીઓ (NGO) ‘સિરીલિયા સવિયા’ના બેંક ખાતા સાથે સંકળાયેલા કથિત છેતરપિંડીના કેસના સંદર્ભમાં કરવામાં આવી છે.
લાંચ કે, ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરતા પંચના અધિકારીઓએ કોલંબોના પોલહેંગોડા સ્થિત તેઓના નિવાસસ્થાનેથી શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના પત્ની શિરાંથી રાજપક્ષેની ધરપકડ કરી હતી.
73 વર્ષીય શિરાંથી થોડા દિવસો પહેલા જ તબીબી સારવાર બાદ સિંગાપોરથી પરત ફર્યા હતા. તે જ દિવસે સવારે, પોલીસના નાણાકીય ગુના વિભાગ (Financial Crimes Division) દ્વારા તેમની ધરપકડ રોકવા માટે તેમના વકીલોએ આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. જોકે, આ વિભાગે અગાઉ તેમને 13 ઓક્ટોબરે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું.
તપાસ પંચના જણાવ્યા અનુસાર, સરકારી માલિકીની બેંકમાંથી 1 કરોડ (10 મિલિયન) શ્રીલંકન રૂપિયા મેળવવા અને તે ભંડોળનો કથિત રીતે દુરુપયોગ કરવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કૃત્ય દ્વારા ‘પબ્લિક પ્રોપર્ટી એક્ટ’ (જાહેર સંપત્તિ અધિનિયમ) અને ભ્રષ્ટાચાર સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન થયું હોવાનું માનવામાં આવે છે.
