સુરત ડાયમંડ બુર્સ’ ને પૂર્ણ ક્ષમતા સાથે વેગવંતુ બનાવવા માટે ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ તમામ સભ્યોને એક ખાસ મેસેજ દ્વારા પત્ર લખીને એકજૂટ થવા આહવાન કર્યું છે.

વિશ્વના સૌથી મોટા રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર એવા ‘સુરત ડાયમંડ બુર્સ’ ને પૂર્ણ ક્ષમતા સાથે વેગવંતુ બનાવવા માટે SDBના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ તમામ સભ્યોને એક ખાસ મેસેજ દ્વારા પત્ર લખીને એકજૂટ થવા આહ્વાન કર્યું છે.’જય શ્રી કૃષ્ણ’ અને ‘જય જિનેન્દ્ર’ ના અભિવાદન સાથે લખાયેલા આ પત્રમાં તેમણે તમામ હીરા ઉદ્યોગકારોને સંકલ્પબદ્ધ થઈને પોતાની ઓફિસો ઝડપથી શરૂ કરવા અપીલ કરી છે.

ગોવિંદભાઈ ધોળકિયાએ પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, “SDB એ આપણું રોકાણ છે, આપણું ભાગ્ય છે, આપણું ગૌરવ છે અને આપણા સૌનું ભવિષ્ય છે.” તેમણે ઉમેર્યું કે હવે વધુ રાહ જોવાનો સમય નથી, પરંતુ એકબીજાનો હાથ પકડીને સાથે આગળ વધવાનો સમય આવી ગયો છે.

સભ્યોમાં નવો ઉત્સાહ અને વિશ્વાસ જગાડતા તેમણે સ્વયં ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સભ્યોને સંકલ્પ લેવા જણાવ્યું છે કે “બીજા આવે કે ન આવે, હું મારી ઓફિસ શરૂ કરીશ.” આ સાથે જ તેમણે સ્પષ્ટ જાહેરાત કરી છે કે દિવાળી પછી તેમની પોતાની ઓફિસ SDB ખાતે જ ધમધમતી થઈ જશે. ચેરમેનની આ અપીલ બાદ હીરા ઉદ્યોગકારોમાં દિવાળી પછી SDB ખાતે ઓફિસો શરૂ કરવાનો નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.