બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર એરિયા વાવાઝોડામાં ફેરવાય તેવી સંપૂર્ણ શક્યતા છે. આ વાવાઝોડું 28 ઓક્ટોબરની સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા નજીક પહોંચી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રે આ આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર લો-પ્રેશર એરિયા સર્જાયો છે. 24 ઓક્ટોબરે તે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે. 25 ઓક્ટોબર સુધીમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. ત્યારબાદ 26 ઓક્ટોબરની સવાર સુધીમાં તે મધ્ય બંગાળની ખાડી ઉપર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
ડૉ. મહાપાત્રના જણાવ્યા અનુસાર, આ હવામાન પ્રણાલી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા નજીક પહોંચી શકે છે. જોકે, વાવાઝોડું દરિયાકાંઠે કયા સ્થળે અને કયા સમયે ટકરાશે તે અંગેની ચોક્કસ માહિતી હવામાન પ્રણાલીના આગામી વિકાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
હાલમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે પવનના ટકાની ગતિ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે. 25 ઓક્ટોબરે પવનની ગતિ 55થી 65 કિલોમીટર પ્રતિ કલાક અને પવનના ઝટકાની ગતિ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
બીજી તરફ, 26 ઓક્ટોબરની સવાર સુધીમાં પવનની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક અને પવનના ઝટકાની ગતિ 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ચક્રવાત દરિયાકાંઠાની નજીક પહોંચશે તેમ પવનની ગતિમાં વધુ વધારો થઈ શકે છે.
