જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટે 3 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. બીમાર ભાઈની મુલાકાત લેવા અને ખબરઅંતર પૂછવા માટે અગાઉ ચૈતર વસાવા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેની સામે હાઇકોર્ટે માત્ર એક જ દિવસના જામીન મંજૂર કર્યા હતા. હાઇકોર્ટના આ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા સર્વોચ્ચ અદાલતે જામીનની મુદત વધારીને 3 દિવસની કરી આપી છે.

આ અંગે વિગતો આપતા એડવોકેટ પુનીત જૂનેજાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટે 3 દિવસના હંગામી જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ચૈતર વસાવા તરફથી દેશના જાણીતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ ઉપસ્થિત રહ્યા હતા અને કેસની ગંભીરતા તથા પારિવારિક પરિસ્થિતિ અંગે રજૂઆતો કરી હતી, જેને ધ્યાને લઈને કોર્ટે આ હુકમ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ હાઇકોર્ટે માત્ર એક દિવસના જામીન આપ્યા હોવાથી વ્યવહારિક મુશ્કેલીઓ સર્જાઇ હતી, જેને લઇને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.