ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાર્દસમા વિસ્તાર એવા ભરૂચી નાકા નજીક લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઇજા પહોચી હતી.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ જવાહર બાગ નજીક એક લક્ઝરી બસના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા તેને ઇજાઓ પહોચી હતી. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર ખૂબ વધી છે. તો સાથે જ લક્ઝરી બસ સહિતના મોટા વાહનોનો પણ ખૂબ ઘસારો થયો છે. જેથી હવે અકસ્માતોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વર શહેરમાં ઠેર ઠેર રોડ ઉપર ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઇ રહી છે, ત્યારે હવે શહેરમાં પ્રવેશ કરતાં મોટા અને બેફામ ચલાવતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.