આજે દેશભરમાં રવિદાસ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોલ બાગમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિર પહોંચ્યા હતા. મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને માથું નમાવ્યું હતું.પીએમ મોદીના કાર્યક્રમને જોતા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત હતો.
આ પહેલા પીએમ મોદીએ મંગળવારે કહ્યું હતું કે સંત રવિદાસે જાતિવાદ અને અસ્પૃશ્યતા જેવા દુષણોને નાબૂદ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. પીએમએ એમ પણ કહ્યું કે મારી સરકારે દરેક પગલા અને યોજનામાં ગુરુ રવિદાસની ભાવનાને આત્મસાત કરી છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો અને એક વીડિયો પોસ્ટ કર્યો છે. મોદીએ ટ્વિટમાં લખ્યું, ‘રવિદાસ જયંતિના શુભ અવસર પર આજે મેં દિલ્હીના શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરની મુલાકાત લીધી. રવિદાસ જયંતિ પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ.’ સંત રવિદાસની જન્મજયંતિના દિવસે મંદિરો અને મઠોમાં કીર્તન-ભજનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ટેબ્લો કાઢવામાં આવે છે. આ સાથે અનેક સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે સંત રવિદાસનો જન્મ માઘ પૂર્ણિમાના દિવસે થયો હતો.
