ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા શૈક્ષણિક અને સામાજિક પ્રકારના સફળ અભિયાન માટે રાજ્યભરમાં જાણીતી છે. શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશ બ્રહ્મભટ્ટ અનેક નવતર પ્રયોગ થકી ખાસ તો ગ્રામ્ય સમાજને ખૂબ ઉપયોગી બની રહ્યા છે.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તેઓએ માતા સશક્તિકરણ અભિયાન શરૂ કર્યું છે. જેમાં વાલ્લા ગામમાં માતા બનનાર પ્રસૂતા બહેનોને એક કિલો શુદ્ધ ઘી અર્પણ કરવામાં આવશે. નાત-જાત-ધર્મના ભેદભાવ સિવાય ગામના સર્વ પ્રસૂતા માતાઓને આ સહાય અર્પણ કરાશે . પ્રસૂતા માતાને અને નવજાત શિશુને શરૂઆતમાં પોષણયુક્ત આહારની ખૂબ જરૂર હોય છે. જે શુદ્ધ ઘીના સેવનથી મહદ અંશે પૂરી થાય છે. આ અભિયાનનો મંગલ આરંભ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયના પટેલના હસ્તે કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-કઠલાલના પ્રાચાર્ય મનુ પરમાર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશ માછી, ખેડા-માતરના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કોમલ પાંડવ, કપડવંજ નગરપાલિકા પ્રમુખ મોનિકા પટેલ, જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કેશુ વાણિયા, નડિયાદના બીઆરસી કુલદીપસિંહ રાજ, મહેમદાવાદના બીઆરસી દિપક સુથાર અને આચાર્ય જયપાલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
