ભરૂચ જિલ્લા માહિતી કચેરી સભાખંડ ખાતે જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઇડ્રીશ કાઇજીની અધ્યક્ષતામા મળેલ વાર્ષિક સામાન્ય સભા શરૂઆતમાં સંઘના સભ્ય અને જંબુસરના પત્રકાર સ્વ.બાબુભાઈ ડિશવાલાનું હાલમાં નિધન થતા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી .જે બાદ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ સ્થાપનાનાં ૧૦ વર્ષ પૂર્ણ કરી ૧૧માં વર્ષમાં મંગળપ્રવેશ કરતા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
સામાન્ય સભામા મહામંત્રી પ્રજ્ઞેશ પાટણવાડીયાએ દશાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત આગામી દિવસોમાં વૃક્ષારોપણ, મ્યુઝિકલ નાઇટ સહિત વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે માહિતી આપી હતી. તો મહામંત્રી વિરલ રાણાએ વીતેલા વર્ષ દરમ્યાન યોજવામાં આવેલ આરોગ્ય કેમ્પ, પ્રવાસ જેવા વિવિધ કાર્યક્રમોની વિગતો આપી હતી.ખજાનચી સિરાજ ભીમ દ્વારા વાર્ષિક નાણાકીય અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંઘના સભ્ય દિલીપભાઈ વસાવાની રાજપીપળા માહિતી ખાતામાં નિમણૂક થતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો કારોબારી અધ્યક્ષ નવિનભાઈ પટેલ દ્વારા સમાજ ઉપયોગી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાતા તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.વાર્ષિક સામાન્ય સભામા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
