ભરૂચ જિલ્લાના નૌગામા ગામના ગ્રામજનોએ સરપંચ સામે સ્થાનિક રાજકીય ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે. જેમાં સરપંચનો મોબાઈલ પણ બંધ હોય, જેથી અપ્રિય ઘટનાના ડર સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય તપાસની માંગ કરી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના નૌગામાના ગ્રામજનોએ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, ગામમાં સંયુક્ત ભાગીદારીની મિલકત છે, જેમાં શૈલેષ વસાવા, રાકેશ વસાવા તથા એક મહિલા આશા વસાવાએ બિનઅધિકૃત રીતે માટી ઉલેચી વેચી મારી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ માટીની કિંમત અંદાજીત રૂ. 5 લાખ 45 હજાર 500 રૂપિયા થવા જઈ રહી છે. એટલું જ નહીં, જેમના પિતાનો એક જ ભાગ લાગતો હોવા છતાં 7 ભાગીદારોને એક પણ રૂપિયો આપ્યા વગર રકમ ચાઉં કરી જવામાં આવી હોવાની વાતો પણ વહેતી થઈ છે,
ત્યારે આ 7 ભાગીદારોએ ગામના સરપંચ પાસે પોતાને ન્યાયની માંગણી સાથે મૌખિક રીતે રજૂઆત કરી હતી. જેથી સરપંચે તમામ ભાગીદારો લઇને ઉપરોક્ત 3 ઇસમો પાસે તેમના લારીગલ્લે પહોચ્યા હતા, જ્યાં સરપંચે તમામના ભાગ આપવાની વાત કરતા આશા વસાવા તથા શૈલેષ વસાવાએ સરપંચ સાથે ગાળા ગાળી કરી અપશબ્દો કહ્યા હતા. આ સતહ જ તમામ 7 ભાગીદારોને એકપણ રૂપિયો આપવો ન પડે તે માટે તારીખ 23/06/2022ના રોજ ખોટી ફરિયાદ દાખલ કરી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ થયા હતા.
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ દાખલ કરી તે તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. કારણ કે, 6 વાગ્યાની આસપાસ જાહેર રસ્તા ઉપર થયેલ બોલાચાલીને આશા વસાવા તથા શૈલેષ વસાવાએ બીજું રૂપ આપી પોલીસ સામે પ્રસ્તુત કરી હતી, જ્યારે આ ઘટના બની ત્યારે ગામના આશરે 100 માણસો સ્થળ ઉપર હાજર હતા. આ ષડયંત્ર રાજનીતિથી પ્રેરિત હોય તેમજ સરપંચના ગામના જ રાજકીય વિરોધીઓના સપોર્ટથી થયેલ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે ગ્રામજનોને એ વાતનો ડર છે કે, સરપંચ હાલ ગામમાં હાજર નથી અને તેમનો મોબાઈલ પણ બંધ આવે છે,
ત્યારે તેમના રાજકીય દુશ્મનો તેનો ગેરલાભ ના ઉઠાવે. કારણ કે, 2-3 વર્ષ અગાઉ નજીકના જ અંદાડા ગામમાં સરપંચની હત્યા કરવામાં આવી હતી. જેઠાઈ રાજકીય દુશ્મનીના લીધે નૌગામાના સરપંચ સાથે પણ કોઈ અપ્રિય ઘટના બનશે તો ઉપરોક્ત તમામ ઈસમો જ જવાબદાર ગણાશે તેવી રજૂઆત સાથે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
