આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની સીરિઝની પ્રથમ વનડે રમાશે. વેસ્ટ ઇન્ડિઝ સામે શિખર ધવનના નેતૃત્વમાં ભારતીય ટીમની આકરી કસોટી થવાની છે. બેન સ્ટોક્સની અચાનક નિવૃત્તિ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલની ચર્ચાઓ ઉઠી છે. પ્રથમ વન-ડે પોર્ટ ઓફ સ્પેનથી ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
શ્રેણીની પ્રથમ મેચમાં ધવન સાથે કોણ ઇનિંગ્સની શરૂઆત કરે છે તે જોવું રસપ્રદ રહેશે. શુભમન ગિલ ટીમમાં પાછો ફર્યો છે. તે ધવન સાથે લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન બનાવશે. પરંતુ ટીમમાં રહેલા ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પણ ઓપનિંગની રેસમાં છે.
ટીમ મેનેજમેન્ટે મિડલ ઓર્ડરમાં ખેલાડીઓની પસંદગી માટે થોડો પ્રયાસ કરવો પડશે, શાનદાર ફોર્મમાં રહેલા દીપક હુડા ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે અને સૂર્યકુમાર યાદવની પણ પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે નક્કી કરવું પડશે કે શ્રેયસ ઐય્યર અને સંજુ સેમસન વચ્ચે પસંદગી કોની કરવી.
હાર્દિકની ગેરહાજરીમાં શાર્દુલ ઠાકુર ભારત માટે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરનો વિકલ્પ હશે. પિચ સ્પિનરોને મદદ કરશે તેવી અપેક્ષા છે અને આવી સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજા ત્રણેય મેચમાં રમી શકે છે. ત્રીજા સ્પિનર તરીકે અક્ષર પટેલનો વિકલ્પ છે.
