પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વિરામની આશાઓને મોટો ફટકો પડ્યો છે. ઈરાન દ્વારા સતત બીજા દિવસે સંયુક્ત આરબ અમીરાત (UAE) ને નિશાન બનાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે. UAE ના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે મંગળવારે રાત્રે ઈરાન તરફથી અનેક બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલો છોડવામાં આવી હતી, જેને રોકવા માટે એર ડિફેન્સ સિસ્ટમ સતત કાર્યરત છે. અબુ ધાબીના આકાશમાં સંભળાયેલા વિસ્ફોટોના અવાજો વાસ્તવમાં ઈરાની ડ્રોન અને મિસાઈલોને હવામાં જ નષ્ટ કરવાના હતા.
આ અગાઉ સોમવારે થયેલા હુમલામાં ઈરાને 15 મિસાઈલો અને 4 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. જોકે UAE ની ટેકનોલોજીએ મોટાભાગના હુમલા નિષ્ફળ બનાવ્યા હતા, પરંતુ ફુજૈરાહ ઓઈલ ઇન્ડસ્ટ્રી ઝોનમાં ડ્રોન ત્રાટકતા ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કામ કરી રહેલા ત્રણ ભારતીય નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તે જ સમયે, હોર્મુઝની સામુદ્રધુનીમાં પસાર થઈ રહેલા એક ખાલી ઓઈલ ટેન્કર પર પણ ઈરાને હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે પ્રયત્નશીલ હતું.
