અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ તાલિબાનીઓએ અહીં લોકો પર ખૂબ જ કહેર વર્તાવ્યો છે. જોકે સતત સ્થિતિ ખરાબ થયા બાદ અમેરિકાએ તાલિબાનો પર હવાઈ હુમલા કર્યા છે. તે સાથે જ એક નિવેદન જાહેર કર્યું છે કે, તેઓ અહીં હવાઈ હુમલા ચાલુ જ રાખશે. જેમાં અમેરિકા આ રીતે અફઘાન સેનાની તાલિબાનો સાથેની લડાઈમાં મદદ કરશે.

તાલિબાન સાથે લડાઈ દરમ્યાન હારેલા 46 જેટલા અફઘાન સૈનિકોએ પાકિસ્તાનમાં શરણ લેવાનો વારો આવ્યો છે. સીમા પર લડાઈ દરમ્યાન ઘણી જગ્યાઓ પર અફઘાન સેના તેમનું નિયંત્રણ ગુમાવી બેઠી છે. ત્યારબાદ પોતાનો જીવ બચાવવા અફઘાન સૈનિકોએ પાકિસ્તાનની મદદ લેવી પડી છે. તાલિબાનોના ત્રાસથી છેલ્લા કેટલાક સપ્તાહથી અફઘાન સેનાના સૈનિકો અને નાગરિકો તઝાકિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન ભાગી ગયા છે. અફઘાન અધિકારીઓ તરફથી ક્લિયરન્સ મળ્યા પછી હવે આ સૈનિકોને સુરક્ષીત પરત મોકલી દેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

અફઘાન સેના પ્રમુખ જનરલ વલી મોહમ્મદજઈએ આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સપ્તાહ દરમ્યાન તેમની ભારત યાત્રા પણ રદ કરી દીધી છે. અફઘાન એમ્બેસી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જોકે, નિયમ પ્રમાણે અફઘાન સેનાને શરણ આપવાની સાથે સૈન્ય નિયમો પ્રમાણે જમવાનું અને જરૂરી મેડિકલ સુવિધાઓ પણ આપી રહી છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે, જ્યારે બન્ને દેશો વચ્ચેની સ્થિતિ સામાન્ય થશે, ત્યારે અફઘાન સેનાને તેમના દેશ પરત મોકલવામાં આવશે. તો બીજી તરફ અફઘાન સરકાર અને તાલિબાનના પ્રવક્તાએ કતરના પાટનગર દોહામાં મુલાકાત કરી ચૂક્યા છે. આ દરમ્યાન સતત હારનો સામનો કરતી અફઘાનિસ્તાન સેના હવે તાલિબાન સામે તેમની લડાઈની પદ્ધતિ પણ બદલી રહી છે.