Connect Gujarat
Featured

અમદાવાદ: 45 વર્ષથી વધુની વયના લોકોને આજે નહીં મળે વેકસીન, વાંચો શું છે કારણ

અમદાવાદ: 45 વર્ષથી વધુની વયના લોકોને આજે નહીં મળે વેકસીન, વાંચો શું છે કારણ
X

અમદાવાદ મહાનગર પાલિકા પાસે કોરોના વિરોધી રસીનો મર્યાદિત જથ્થો હોવાના કારણે આજે 45 વર્ષથી વધુની વયના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં નહીં આવે. જ્યાં સુધી વેક્સિનનો નવો જથ્થો ઉપલબ્ધ નહી થાય ત્યાં સુધી 45 વર્ષથી વધુની વયના લોકોને રસી નહીં આપવામાં આવે. માત્ર 18થી 44 વર્ષના વયના લોકોને રજીસ્ટ્રેશન કર્યા બાદ સ્લોટ મુજબ રસી આપવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાએ મોડી રાતે કરેલી જાહેરાત બાદ કોરોનાના સંક્રમણની સ્થિતિમાં જે લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. તેમનો ફરીથી ક્યારે વારો આવશે તેને લઈને અસમંજસ ઉભુ થયું છે. અમદાવાદ શહેરમાં આવેલ 76 અર્બન હેલ્થ સેંટરો, મહાનગર પાલિકા સંચાલિત હોસ્પિટલો, કોમ્યુનિટી હેલ્થ સેંટર અને કોમ્યુનિટી હોલ પર આજથી 45 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં નહી આવે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ સતત બીજા દિવસે 5 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં ૪ હજાર ૬૧૬ અને ગ્રામ્યમાં 55 કેસ સાથે કુલ 4,671 કેસ નોંધાયા છે. સાથે જ 3 હજાર 952 લોકોએ કોરોનાને મ્હાત આપતા તેમને રજા આપવામાં આવી છે. તે અગાઉ સતત દસ દિવસ 5 હજારથી વધુ કેસ નોંધાયા હતા. પરંતુ હવે દૈનિક કેસનો આંક પાંચ હજારની નીચે આવ્યો છે અને અમદાવાદમાં કુલ કેસનો આંક ૧ લાખ ૭૪ હજાર ૯૯૪એ પહોંચ્યો છે. જ્યારે સોમવારે વધુ ૨૫ લોકોના મોત થતાં અત્યાર સુધી કુલ ૨ હજાર ૯૧૯ લોકોના મરણ થયા છે. જો કે રાહતની વાત તે છે કે અત્યાર સુધી ૧ લાખ ૪ હજાર ૨૮૫ લોકો કોરોના મુકત થયા છે.

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટવાની સાથે માઈક્રો કન્ટેઈન્મેટ ઝોનમાં પણ ઘટાડો થયો છે. વટવા, પાલડી, ગોતા અને ઘાટલોડિયામાં કુલ 4 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે મણિનગર, ખોખરા, કુબેરનગર, દાણીલીમડા, ઈસનપુર, ભાઈપુરા, રાણીપ અને બોડકદેવના 14 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. અમદાવાદ શહેરમાં હાલ 247 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

Next Story