અમદાવાદના ઓઢવમાં આવેલી દુકાનમાં રેડ કરીને પોલીસે ગેરકાયદેસર વેચાણ થતી કફ સિરપની 390 બોટલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ SOGએ બાતમીના આધારે ઓઢવ કડીયાનાકા પાસે આવેલી દુકાનમાં રેડ કરી હતી. દુકાનમાં કમલેશ કુમાવત અને વિપુલ માલવીયા નામના 2 શખ્સ હાજર હતા. દુકાનમાં તપાસ કરતા અલગ અલગ બોક્સમાં કફ સિરપની 390 બોટલ મળી આવી હતી. પોલીસે આ અંગે તપાસ કરતા ગેરકાયદેસર રીતે નશો કરવા માટે કફ સિરપનું છૂટક વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતી જેથી પોલીસે 57,720 રૂપિયાનો કફ સિરપનો જથ્થો કબજે કર્યો હતો. દુકાનમાંથી મળી આવેલ બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, રાજસ્થાનના પાલીમાં રહેતો મુકેશ લુહાર કફ સિરપનો જથ્થો આપી જતો હતો.SOGએ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે તથા કેટલા સમયથી આરોપીઓ ગેરકાયદેસર કફ સિરપનું વેચાણ કરતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.