બ્રહ્માકુમારી દ્વારા શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ યોજાયો
રાજ્યના 512 સેવા કેન્દ્રમાંથી 60 હજાર શ્રદ્ધાળુ રહ્યા ઉપસ્થિત
60 હજાર શ્રદ્ધાળુઓનું વૈશ્વિક શાંતિ માટે મેડિટેશન
સમગ્ર વાતાવરણ ‘ૐ’ના નાદથી ગુંજી ઉઠ્યું
શાંતિ અને ભાઈચારાનો સંદેશ પહોંચાડવાનો કરાયો પ્રયાસ
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે 60 હજાર શ્રદ્ધાળુઓએ એક સાથે વૈશ્વિક શાંતિ માટે મેડિટેશન કર્યું હતું.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ‘શાંતિ અનુભૂતિ’ દિવ્ય સમારોહનું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં અંદાજે 60 હજાર જેટલા ભાઈ-બહેનો શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે આ વિશાળ જનમેદનીએ એક સાથે બેસીને વૈશ્વિક શાંતિ માટે સામૂહિક મેડિટેશન કર્યું હતું. સમગ્ર ગ્રાઉન્ડ ‘ૐ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણમાં એક દિવ્ય શાંતિનો અહેસાસ પ્રસરી ગયો હતો. આ સમારોહ દ્વારા વિશ્વભરમાં શાંતિ અને ભાઈચારાનો શક્તિશાળી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ દિવ્ય મહોત્સવમાં માત્ર આધ્યાત્મિકતા જ નહીં, પરંતુ કલા અને સંસ્કૃતિનો પણ અદભૂત સંગમ જોવા મળ્યો હતો. સપ્તરંગી થીમ પર આધારિત આ કાર્યક્રમમાં વિવિધ કલાકારો દ્વારા ગીત, નૃત્ય અને આધ્યાત્મિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ સંસ્થાના અતિરિક મુખ્ય પ્રકાશિકા રાજયોગીની બીકે જયંતિ દીદીએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ સબ ઝોનમાંથી પણ 500થી વધુ ભાઈ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.