/connect-gujarat/media/post_banners/2b9c98e2c8a09e5821dbf30463dae2cd881904c0c58ce8415abfadcef228d9ca.jpg)
રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓના તૈયાર થયેલા રિપોર્ટ કાર્ડના આધારે ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકાર અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ગુજરાતમાં ફરી રાજકીય ઉથલ પાથલની શરૂઆત થઈ ગઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લીધા છે. જેમાં મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો છે. તો પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન મંત્રાયલ લઈને ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલને સોંપાયું છે, ત્યારે અમદાવાદ શહેરના નવરંગપુરા સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાય હતી.
જેમાં AAPના જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ સરકાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર છેલ્લા 27 વર્ષથી પોતાની પેઢી હોય તેમ સરકાર ચલાવી રહી છે. 3 વર્ષ અગાઉ રૂપાણી સરકારના તમામ પ્રધાનોના રાજીનામા બાદ અમુક બિનઅનુભવી લોકોને પ્રધાનપદ પર બેસાડવામાં આવ્યા છે. જેના કારણે આજે ગુજરાતની જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ સાથે જ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકારમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ વિભાગમાં થાય છે. જેના કારણે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, દિલ્હીમાં બેઠેલી સરકારથી ગુજરાતની સરકાર ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી સ્પષ્ટપણે માને છે કે, ભ્રષ્ટાચારના પૈસાની વહેંચણીમાં સમસ્યા આવે, ત્યારે ભાજપ સરકારના પ્રધાન જ નહીં પણ કર્મચારીની બદલીઓ કરવામાં આવે છે.