અમદાવાદના બોપલ ડ્રગ્સ કેસ મામલે વંદિત પટેલની પુછપરછમાં એક પછી એક ખુલાસાઓ થઇ રહ્યા છે. જેમાં શહેરના મોટા બિઝનેસમેન અને ઉચ્ચ અધિકારીઓના સંતાનોના નામ પણ બહાર આવ્યા હોવાની માહિતી પોલીસને મળી છે.
અમદાવાદના બોપલ ડ્રગ્સ કેસ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વંદિત પટેલની તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પુછપરછ શરૂ કરી હતી. છેલ્લાં એક વર્ષના કોલ ડીટેઇલ, લોકેશનની તપાસ કરતા તે અવારનવાર પ્રહલાદનગર સ્થિત રમાડા હોટલ ખાતે જતો હોવાની વિગતો સામે આવી હતી, ત્યારે પોલીસે તે દિશામાં તપાસ કરતાં વધુ મોટા ખુલાસા સામે આવ્યા છે. વંદિત પટેલ અન્ય લોકોના નામે બર્થ-ડે પાર્ટીના બુકીંગ કરાવીને ડ્રગ્સની પાર્ટી યોજતો હતો. આ પાર્ટીમાં શહેરના મોટા મોટા વેપારીઓ, આઇએએસ અને આઇપીએસના સંતાનો પણ આવતા હતા. તે પાર્ટી કરતા પહેલા એડવાન્સમાં ફી પણ લેતો હતો. તેમજ પાર્ટીમાં કોઇ નવું આવે તો તેને પણ ડ્રગ્સના રવાડે ચઢાવતો હતો. જોકે, વંદિત પટેલ સાથે સંકળાયેલ અન્ય ડ્રગ્સ પેડલર્સ દ્વારા પણ 5 જેટલી પાર્ટીઓ યોજવામાં આવી હતી. પોલીસે વંદિતની ડાયરી અને મોબાઇલ ફોનની વિગતો તપાસતા વધુ 7 ડ્રગ્સ પેડલર્સના નામ મળ્યા છે. જેમાં 5 લોકો અમદાવાદના અને અન્ય 2 દક્ષિણ ગુજરાતના હોવાનું સામે આવ્યું છે.