Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સિંચાઈના પાણીની અછત માટે ભાજપ સરકાર અને નર્મદા નિગમ જવાબદાર : સાગર રબારી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ભાજપની ગુજરાત સરકારને ચારેબાજુથી ઘેરીને એક પછી એક પ્રહાર કરી રહી છે

X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ભાજપની ગુજરાત સરકારને ચારેબાજુથી ઘેરીને એક પછી એક પ્રહાર કરી રહી છે,ત્યારે આપ પાર્ટીના ખેડૂત નેતા સાગર રબારીએ સિંચાઈના પાણીની અછત માટે ભાજપ સરકાર અને નર્મદા નિગમ જવાબદાર છે તેવો ગંભીર આક્ષેપ કર્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ ભાજપ સરકાર અને નર્મદા નિગમ પર આરોપ લગાવ્યો છે કે, નર્મદા ડેમમાં પાણીની સપાટી 120.68 મીટર છે. ડેમમાં પાણીનો જીવંત જથ્થો 1341 એમસીએમ છે. મિલિયન ક્યુબિક મીટર એકર ફૂટમાં ફેરવીએ તો છોડી શકાય એવા પાણીનો જથ્થો 10,87,166.37 એકર ફૂટ છે. એટલે કે, 10 લાખ, 87 હજાર 166 એકર જમીન ઉપર એક ફૂટ ભરી શકાય એટલું પાણી હાલ નર્મદા ડેમમાં છે, ત્યારે આખું વર્ષ ગુજરાતને પીવા માટે ડેમમાંથી 0.86 મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયું છે. હવે ચોમાસાને માત્ર 1.5 મહિનાની જ વાર છે, છતાં આખા વર્ષનું પીવાનું પાણી બાદ કરીએ તો પણ 2, 27,166 એકર ફૂટ પાણી ખેડૂતોને આપી શકાય તેમ છે.

તેવામાં 8,60,000 એકર ફૂટ પાણી 12 મહિના માટે જોઈએ તો, દોઢને બદલે 2 મહિનાનો જથ્થો અનામત રાખવો હોય તો પણ 71,666 એકર ફૂટ પ્રમાણે 2 મહિના માટે ગુજરાતને પીવા માટે 1,43,333 એકર ફૂટ પાણી જોઈએ. જોકે, હાલના ઉપલબ્ધ જથ્થા 10,87,166માંથી 1,43,333 એકર ફૂટ પાણી અનામત રાખીએ તો પણ 9,43,833 એકર ફૂટ પાણી ખેડૂતોને એવા ઉનાળુ કઠોળ, બાજરી, ઉનાળુ મગફળી અને પશુઓ માટેનો ઘાસચારો બચાવવા માટે આપી શકાય તેમ છે. પરંતુ, ભ્રષ્ટ ભાજપની પ્રાથમિકતા ખેડૂતોનો પાક અને પશુઓ માટે ઘાસચારો બચાવવાના બદલે ગિફ્ટ સીટી અને શાંતિગ્રામ બગીચામાં ઘાસ લીલુંછમ રાખવાની અને અમીરોના તરણ હોજ ભરવાની છે, ત્યારે સિંચાઈના પાણીની અછત માટે ભાજપ સરકાર અને નર્મદા નિગમ જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ આપ પાર્ટીના નેતા સાગર રબારીએ કર્યો છે.

Next Story